Connect Gujarat
દેશ

ભાઇજાનના ઘરે થયેલ ફાયરિંગ કેસમાં નવો વળાંક, ગોળીબાર બાદ શૂટરો શા માટે આવ્યા ગુજરાત..!

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા શૂટર્સની સૂચના પર મુંબઈ પોલીસે તાજેતરમાં હથિયારો જપ્ત કર્યા છે

ભાઇજાનના ઘરે થયેલ ફાયરિંગ કેસમાં નવો વળાંક, ગોળીબાર બાદ શૂટરો શા માટે આવ્યા ગુજરાત..!
X

મુંબઇમાં બોલિવુડના જાણીતા કલાકાર સલમાન ખાનના ઘરે 14 એપ્રિલે થયેલા ફાયરિંગ કેસમાં નવો વણાંક આયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોટો ખુલાસો કર્યો કે શૂટરોએ જણાવ્યું છે કે, અનમોલ વિશ્નોઈએ તેમને કહ્યું હતું કે, ગુનો કર્યા બાદ તેમણે થોડા દિવસો સુધી છુપાઈને રહેવું પડશે, પરંતુ તેના માટે બિહાર જવાનું નથી. તમારું ગામ ત્યાં છે એટલે પોલીસને સરળતાથી ખબર પડી જશે અને ત્યાં પહોંચી જશે.

બોલીવુડ સ્ટાર ભાઇજાન સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા કેટલાક હથિયારો અને ગોળીઓ મળી છે. અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટર્સને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી તરફ ન જવાનો આદેશ પણ આપ્યો હતો. કારણ કે, મુંબઈ પોલીસ જાણે છે કે, બિશ્નોઈ ગેંગ અને તેના મોટાભાગના શૂટર્સ આ રાજ્યોમાં જ સક્રિય છે. જેથી મુંબઈ પોલીસ તેમને ત્યાં પણ સરળતાથી શોધી શકશે. શૂટરોએ પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે, અનમોલ બિશ્નોઈએ ગુનો કર્યા બાદ તેમને ગુજરાત અથવા દક્ષિણ ભારતમાં જઈને છુપાઈ જવા કહ્યું હતું.

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા શૂટર્સની સૂચના પર મુંબઈ પોલીસે તાજેતરમાં હથિયારો જપ્ત કર્યા છે, જેમાં 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 શૂટરોએ શસ્ત્રો નદીમાં ફેંક્યા હતા. આને 'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપી નદીમાંથી કાઢવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે દયા નાયક અને અન્યોની આગેવાની હેઠળ સ્થાનિક ડાઇવર્સની મદદથી તે સ્થળની શોધ કરી હતી. મુંબઈ અને ગુજરાત પોલીસની ટીમો, ટેક્નિકલ ઈન્ટેલિજન્સ અને ફિલ્ડ ઈન્ફોર્મર્સના સંયુક્ત ઓપરેશનની મદદથી બિહારના રહેવાસી વિકી ગુપ્તા અને સાગર પાલ નામના 2 યુવકોની 36 કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શૂટર 14 એપ્રિલની સવારે મોટરસાઇકલ પર બાંદ્રા વેસ્ટમાં સમુદ્ર તરફના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવ્યો હતો, જ્યાં સલમાન ખાન અને તેનો પરિવાર રહે છે, શુટરોએ ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે બોલિવૂડ અને રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો હતો.

Next Story