ચિંતા વધારતો સંકેત: કેદારનાથ-બદ્રીનાથ વિસ્તારમાં હિમનો દુષ્કાળ

ડિસેમ્બર મહિનો હવે પૂર્ણતાના આરે છે અને નવા વર્ષના આગમનને આડે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં ઉત્તરાખંડના પહાડો હજુ પણ બરફવગર વેરાન લાગે છે.

New Update
snow

ડિસેમ્બર મહિનો હવે પૂર્ણતાના આરે છે અને નવા વર્ષના આગમનને આડે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં ઉત્તરાખંડના પહાડો હજુ પણ બરફવગર વેરાન લાગે છે.

સામાન્ય રીતે આ સમયે કેદારનાથ અને બદ્રીનાથ ધામ 5થી 8 ફૂટ બરફથી ઢંકાયેલા હોય છે, પરંતુ આ વર્ષે કુદરત કંઈક અનોખો જ મિજાજ જોવા મળી રહ્યો છે.

ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલી અને ચંબામાં દર વર્ષે આ સમયે સ્નો-ફૉલનો આનંદ લેવા પર્યટકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા છે, પરંતુ બરફ ન હોવાને કારણે તેમના ચહેરા પર માયૂસી જોવા મળી રહી છે. માત્ર પર્યટકો જ નહીં, સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે બરફવર્ષા ન થવાને કારણે બાગાયતી ખેતી પર જોખમ તોળાઈ રહ્યું છે.

પર્યાવરણવિદોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હિમાલય વિસ્તારમાં હવામાનના પેટર્નમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક અચાનક ભારે હિમવર્ષા તો ક્યારેક સંપૂર્ણ રીતે બરફનો અભાવ—બંને સ્થિતિઓ કુદરતી સંતુલન માટે જોખમી છે. કેદારનાથ-બદ્રીનાથ વિસ્તારમાં સ્નોફૉલ ન થવાને કારણે તીર્થયાત્રા, પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક અર્થવ્યવસ્થાની આવક પર પણ અસર પડી શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત્ રહે તો સરકાર અને વહીવટીતંત્ર માટે પાણી સંચાલન અને પર્યાવરણીય સુરક્ષાના નવા પડકારો ઊભા થઈ શકે છે.

આ પરિસ્થિતિએ ફરી એકવાર આબોહવા પરિવર્તનની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે. નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક તાપમાનમાં વધારો અને પર્યાવરણ પ્રત્યેની બેદરકારી અટકાવવામાં નહીં આવે તો હિમાલય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આવી અસામાન્ય સ્થિતિઓ વધુ વાર જોવા મળશે. કેદારનાથ અને બદ્રીનાથના પર્વતોમાં બરફ ન પડવો માત્ર એક ઋતુનો પ્રશ્ન નથી, પરંતુ આવનારા ભવિષ્ય માટે ચેતવણીરૂપ સંકેત છે.

Latest Stories