/connect-gujarat/media/media_files/2025/12/09/loco-pilot-2025-12-09-16-14-14.jpg)
ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલટ્સના થાક, લાંબા કામના કલાકો અને સલામતી જોખમોને કારણે સર્જાયેલા હંગામા બાદ હવે ભારતીય રેલવેના લોકો પાયલટ્સે પણ એ જ મુદ્દાઓ પર સખત ચિંતા વ્યક્ત કરી છે.
ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિયેશન (AILRSA)એ ચેતવણી આપી છે કે થાકેલા લોકો પાયલટ્સ દ્વારા ટ્રેનોનું સંચાલન કરાવવું મુસાફરોના જીવન માટે ગંભીર જોખમ ઉભું કરે છે અને કોઈ પણ ક્ષણે મોટી જાનહાનિ થઈ શકે છે. એસોસિયેશનનો આ આરોપ માત્ર કામગીરીની તકલીફ નથી, પણ સમગ્ર મુસાફરી પ્રણાલીની સુરક્ષાને લઈ ઊભા થયેલા ખતરા પર કડક પ્રકાશ પાડે છે.
AILRSAએ ઇન્ડિગો વિવાદમાં કેન્દ્ર સરકારના નરમ અભિગમની ટીકા કરતા કહ્યું કે સરકારી ક્ષેત્રમાં કર્મચારીઓ પર કડક નિયમો લાદવામાં આવે છે, જ્યારે મોટી ખાનગી કંપનીઓ સલામતીના નિયમોને અવગણે ત્યારે સરકાર તેમની સામે સુમેળ વાળો અભિગમ રાખે છે. તેમના જણાવ્યા અનુસાર, રેલવેના લોકો પાયલટ્સ લાંબા સમયથી ‘ક્રૂ ફેટીગ’ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી. દુનિયાભરમાં અપનાવાતા સલામતી ધોરણો મુજબ કામ અને આરામનું સંતુલન રાખવા છતાં ભારત હજુ જૂની પદ્ધતિઓ પર ચાલી રહ્યું છે, જેના કારણે જોખમ વધી રહ્યું છે.
એસોસિયેશનએ FRMS (Fatigue Risk Management System) આધારિત નવી સિસ્ટમ તરત અમલમાં મૂકવાની માંગ કરી છે. તેમણે દૈનિક મહત્તમ છ કલાકની ડ્યૂટી મર્યાદા, દરેક શિફ્ટ બાદ ઓછામાં ઓછા 16 કલાકનો ફરજીયાત આરામ અને સાપ્તાહિક આરામ સમયગાળા જેવી સખત શરતોનો સમાવેશ કરવા કહ્યું છે. AILRSAએ યુરોપિયન યુનિયન, અમેરિકન અને કેનેડિયન રેલવેના ઉદાહરણો આપીને જણાવ્યું છે કે ત્યાં આવા નિયમોનું સખત પાલન થાય છે અને તેનું પરિણામ મુસાફરોને વધુ સુરક્ષા સ્વરૂપે મળે છે.
ભારતીય રેલવેમાં રોજે સરેરાશ બે કરોડથી વધુ અને પીક સીઝન દરમિયાન ત્રણ કરોડ મુસાફરો મુસાફરી કરે છે, એટલે થાકેલા લોકો પાયલટ્સ દ્વારા ટ્રેન ચલાવવાની પ્રથા અત્યંત જોખમરૂપ છે. અનેક ઉદાહરણો સામે આવ્યા છે—બારાબંકીમાં લોકો પાયલટે ઓવરને કારણે બે ટ્રેનો વચ્ચે જ ડ્યુટી છોડી દેવી પડી હતી, જ્યારે મહાકુંભ દરમિયાન એક લોકો પાયલટે 16 કલાક સતત ડ્યૂટી પર હોવાનો દાવો કરી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ઇનકાર કર્યો હતો.
AILRSAએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માત્ર ઇન્ડિગો વિવાદમાં જ ધ્યાન આપવાથી કામ નહીં ચાલે; રેલવેની આ લાંબા સમયથી ચાલી રહેલી અને વધુ ગંભીર સમસ્યા પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી દેશના કરોડો મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.