/connect-gujarat/media/post_banners/c090e2c5cc97a5b4511098b4f75f62286df7f2d79ff7fc7a2047b60b36ef6da6.webp)
નવરાત્રિ દરમિયાન ઘાટીના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે, કારણ કે ગૃહમંત્રી અમિત શાહ આજથી આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં રહેશે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની જમ્મુ-કાશ્મીરની આ ત્રીજી મુલાકાત છે.
ચૂંટણીની તૈયારી વચ્ચે આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે આજે અમિત શાહ ગુર્જર અને બકરવાલ સમાજ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરમાં પોતાના ત્રણ દિવસના વ્યસ્ત કાર્યક્રમની શરૂઆત કરશે. શાહ આજે સાંજે પાંચ વાગ્યે જમ્મુ પહોંચશે. તેઓ સાંજે ગુર્જરો/બકરવાલ અને યુવા રાજપૂત સભાના પ્રતિનિધિમંડળોને મળશે. 4 ઓક્ટોબરની સવારે શાહ રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વતો પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ રાજૌરીમાં એક જનસભાને સંબોધિત કરશે અને વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી 5 ઓક્ટોબરે શ્રીનગરના રાજભવનમાં થનારી બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, સેનાના વરિષ્ઠ અધિકારીઓ, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને નાગરિક પ્રશાસન પણ હાજર રહેશે. શાહ શ્રીનગરમાં વિવિધ વિકાસ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ પહેલા બારામુલ્લામાં એક જાહેર સભાને સંબોધન કરશે.