/connect-gujarat/media/media_files/2025/11/09/jaisalmer-2025-11-09-16-39-59.jpg)
રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત ટળી ગયો છે.
સેનાના મિસાઈલ ટ્રાયલ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે મિસાઈલ નિશાન ચૂકી ગઈ અને સીધી નજીકના ગામમાં જઈને પડી. જમીન પર પડતાં જ જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ધડાકાથી ગામના ઘરો અને બારીઓના કાચ તૂટી ગયા હતા.
માહિતી મુજબ, આ મિસાઈલ ફાયરિંગનો અભ્યાસ જૈસલમેરની સૈનિક રેન્જમાં ચાલી રહ્યો હતો, જ્યાં નિયમિત રીતે હથિયાર અને મિસાઈલ ટ્રાયલ્સ કરવામાં આવે છે.
ટ્રાયલ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા મિસાઈલનું દિશા નિયંત્રણ ખોરવાયું અને તે રેન્જની બહાર જઈને ગામની જમીન પર પડી. વિસ્ફોટ બાદ તરત જ સૈન્ય અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટના ટેક્નિકલ ખામીના કારણે બની છે અને તેનું કારણ જાણવા માટે હાઈ-લેવલ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોને પણ સલામત સ્થાને ખસેડવામાં આવ્યા છે અને વિસ્તારની સંપૂર્ણ સ્કેનિંગ ચાલી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રાયલ દરમિયાન થયેલી દુર્ઘટના છે, તેમાં કોઈ દુષ્કર્મ અથવા બાહ્ય હસ્તક્ષેપ નથી.