પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની ધરપકડ કરી લેવાઈ છે. કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની મધ્ય પ્રદેશના દમોહના હટ્ટાથી સવારે લગભગ 5.30 વાગે ધરપકડ કરાઈ. રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' ની વાત કરી રહ્યા હતા. જો કે બાદમાં રાજા પટોરિયાએ પલટી મારતાં કહ્યું હતું કે તેનો અર્થ હતો કે આગામી ચૂંટણીમાં મોદી ને હરાવો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફ્લોમાં થઈ ગયું હતું.
કોંગ્રેસ ના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા. તેઓ કહેતા નજરે ચડ્યા હતા કે મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે વહેંચી દેશે, દલિતોના, આદિવાસીઓના અને અલ્પસંખ્યક ના જીવન જોખમમાં છે, જો બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જો કે ત્યારબાદ તેઓ કહે છે કે હત્યા એટલે હાર. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોતાની સફાઈમાં રાજા પટોરિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે.
જેમાં તેમણે જણાવ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કાર્ડ વિતરણ દરમિયાન છે. આ વીડિયોમાં મારા દ્વારા મોદીની હત્યા જે વાત છે તે ખોટી રીતે પ્રદર્શિત કરાઈ છે. હું ગાંધી માનનારા માણસ છું, હું આ પ્રકારની વાત કરી શકું નહીં. તેમણે કહ્યું કે મારો અર્થ રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં હતો. જ્યાં બંધારણ બચાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે. અલ્પસંખ્યકો ની, દલિતોની આદિવાસીઓની રક્ષા કરવા માટે અને બેરોજગારી હટાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે.
મારો આશય મોદીની હત્યા ને લઈને બિલકુલ ખોટી રીતે રજૂ કરાયો છે. પૂર્વ મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ મામલે પોલીસ FIR કરી રહી છે અને કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા નો ઢોંગ કરનારાઓની અસલિયત સામે આવી ગઈ છે. પીએમ મોદી જનતા હ્રદયમાં વસે છે. કોંગ્રેસ પીએમ મોદી જોડે મેદાનમાં મુકાબલો નથી કરી શકતા તો કોંગ્રેસના એક નેતા પીએમ મોદીની હત્યાના વાત કરી રહ્યા છે.