અરવલ્લી બચાવો આંદોલન ઉગ્ર બનતા કેન્દ્રનો યુ-ટર્ન, સમગ્ર પર્વતમાળામાં નવી માઇનિંગ મંજૂરી પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીની જે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા જ દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો.

New Update
aravali

નવી દિલ્હી : અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીની જે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા જ દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. પર્યાવરણ કાર્યકરો અને સામાજિક સંગઠનોનો આરોપ છે કે આ વ્યાખ્યાના કારણે અરવલ્લી પર્વતમાળાના લગભગ 90 ટકા પહાડો કાયદેસર રીતે ખનન માટે ખુલ્લા થઈ જશે, જેના પરિણામે પર્યાવરણીય વિનાશ અટલ બનશે. આ વિરોધ અને ‘અરવલ્લી બચાવો’ આંદોલન ઉગ્ર બનતા હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને સમગ્ર અરવલ્લી રેન્જમાં નવી માઇનિંગ મંજૂરી તથા નવી લીઝ આપવાની પ્રક્રિયા પર રોક લગાવી છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે બુધવારે અરવલ્લી પર્વતમાળામાં આવનારા તમામ રાજ્યો માટે એક સત્તાવાર આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ મુજબ દિલ્હીથી લઈને હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધી અરવલ્લીના કોઈ પણ વિસ્તારમાં નવી ખનન મંજૂરી આપવામાં નહીં આવે અને નવી માઇનિંગ લીઝ પણ મંજૂર નહીં થાય. સરકારનું કહેવું છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં લાગુ રહેશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્વતમાળાનું રક્ષણ કરવો તથા ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનો છે.

આ સાથે જ મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE)ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કાઉન્સિલને સૂચના આપવામાં આવી છે કે હાલ જે વિસ્તારો પર પ્રતિબંધ લાગુ થયો છે તે સિવાય અરવલ્લીના એવા વધુમાં વધુ વિસ્તારોની ઓળખ કરવામાં આવે જ્યાં માઇનિંગ પર સંપૂર્ણ રોક લગાવી શકાય. આ ઓળખ ઇકોલોજિકલ, જીયોલોજિકલ અને લેન્ડસ્કેપ લેવલ પર કરવામાં આવશે, જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. અગાઉ પણ આ કાઉન્સિલને અરવલ્લીમાં ટકાઉ માઇનિંગ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આધારિત મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જ, જ્યાં પહેલેથી માઇનિંગને મંજૂરી આપવામાં આવી છે અથવા ખનન ચાલી રહ્યું છે, ત્યાં પર્યાવરણના તમામ નિયમોનું કડક પાલન થાય તેની ખાતરી કરવા રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ, 100 મીટર ઊંચાઈને આધારે અરવલ્લીની જે વ્યાખ્યા કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવી હતી, તેને લઈને વિરોધાભાસ યથાવત છે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને સ્વીકાર કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા રચાયેલી નિષ્ણાત પેનલે તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને આ માપદંડને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ વિવાદ વચ્ચે હવે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લી ગણવાની વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી લીધી છે અને આ મુદ્દે હરિયાણા, રાજસ્થાન તેમજ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. અરજદાર દ્વારા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI)નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરાયો છે કે દેશમાં કુલ 12,081 પહાડો છે, જેમાંથી માત્ર 1,048 પહાડો જ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવે છે. એટલે કે લગભગ 11,000થી વધુ પહાડો 100 મીટરથી નીચા છે, જેને નવી વ્યાખ્યા મુજબ ખનન માટે ખુલ્લા મૂકી શકાય. પર્યાવરણવિદોનું કહેવું છે કે જો આ વ્યાખ્યા યથાવત રહી, તો અરવલ્લી સહિત દેશભરના હજારો નાના પહાડો ધીમે ધીમે નકશામાંથી અદૃશ્ય થઈ જશે, જે ભવિષ્યમાં જળસંકટ, પ્રદૂષણ અને હવામાન પરિવર્તનને વધુ ગંભીર બનાવી શકે છે.

Latest Stories