/connect-gujarat/media/media_files/2025/11/28/asia-power-index-2025-2025-11-28-13-23-14.jpg)
ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત લોવી (Lowy) ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઈન્ડેક્સ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એશિયાના 27 દેશોની સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક શક્તિઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ આઠ મુખ્ય પરિમાણો સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક અસર, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું, ભવિષ્યની સંસાધન ક્ષમતા અને આર્થિક સંબંધોના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષની આવૃત્તિ દર્શાવે છે કે એશિયામાં શક્તિનું સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે; ચીન વધુ મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, જ્યારે અમેરિકા અગાઉની સરખામણીએ નબળું પડતું દેખાઈ રહ્યું છે. એ વચ્ચે ભારત સતત વધી રહેલા પ્રભાવ સાથે ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, ભારતે 40.0નો સ્કોર નોંધાવીને 'મેજર પાવર'ની શ્રેણીમાં મજબૂત પ્રવેશ કર્યો છે. ભારતના આ ઉદયને મુખ્યત્વે તેની તેજીથી વધતી આર્થિક વૃદ્ધિ, મજબૂત સૈન્ય ક્ષમતા અને વૈશ્વિક મંચ પર વધતી સક્રિયતા માટે જવાબદાર માનવામાં આવે છે. જોકે રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતની રાજદ્વારી અને આર્થિક પહોંચ હજી તેની સમગ્ર ક્ષમતાની તુલનામાં ઓછું પ્રદર્શન કરે છે, જેના કારણે ભવિષ્યમાં ભારત માટે પ્રભાવ વધુ વધારવાની વિશાળ સંભાવનાઓ હજી બાકી છે. આ પરિસ્થિતિ સૂચવે છે કે ભારત પાસે ક્ષેત્રિય તેમજ વૈશ્વિક રાજકારણમાં વધુ સશક્ત ભૂમિકા ભજવવાનો યોગ્ય અવકાશ છે.
એશિયા પાવર ઈન્ડેક્સ 2025માં માત્ર અમેરિકાને અને ચીને ‘સુપર પાવર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. અમેરિકા હજી ટોચ પર છે, પરંતુ 2018માં આ ઇન્ડેક્સની શરૂઆત થઈ ત્યારથી આ તેનું સૌથી ઓછું સ્કોર છે. વિશ્લેષકો આ ઘટાડાનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન લેવાયેલા એવા નિર્ણયો તરફ ઇશારો કરે છે, જેના કારણે એશિયામાં અમેરિકી પ્રભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ચીન સતત પ્રભાવ વધારતું જઈ રહ્યું છે અને અમેરિકા સાથેનો અંતર ઓછો કરી રહ્યું છે, જે પ્રાદેશિક શક્તિના સમીકરણોને સંપૂર્ણપણે બદલી શકે છે.
પાકિસ્તાન આ વખત ટોચના 10 દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું છે અને તે 16મા સ્થાને સરક્યું છે. તેની તુલનામાં રશિયા માટે આ ઈન્ડેક્સ વધુ સકારાત્મક રહ્યો છે. યુક્રેન યુદ્ધના કારણે લાગેલા પ્રતિબંધોથી પ્રભાવ ગુમાવ્યા પછી રશિયાએ 2019 બાદ પહેલીવાર ક્ષેત્રિય પ્રભાવ પાછો મેળવવામાં સફળતા મેળવી છે. ચીન અને ઉત્તર કોરિયા સાથે વધતી વ્યૂહાત્મક ભાગીદારીને કારણે રશિયાએ 2024માં ગુમાવેલું પાંચમું સ્થાન ફરી મેળવ્યું છે, જે એશિયામાં તેની નવી સક્રિયતાનું સૂચક છે.
તે ઉપરાંત, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો મજબૂત આર્થિક માળખા, તકનીકી ક્ષમતા અને રાજદ્વારી નીતિઓના કારણે ‘મિડલ પાવર’ તરીકે એશિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ દેશો એશિયાના વ્યાપક પ્રાદેશિક ગોઠવણોમાં સમતોલન જાળવવામાં અને વૈશ્વિક મુદ્દાઓ પર પ્રભાવ વિસ્તૃત કરવામાં યોગદાન આપી રહ્યા છે. એશિયા પાવર ઈન્ડેક્સ 2025 એ સ્પષ્ટ દર્શાવે છે કે આવતા વર્ષોમાં એશિયા વૈશ્વિક શક્તિનું કેન્દ્ર બની શકે છે અને ભારત તેનું એક મુખ્ય નાયક બની શકે છે.