/connect-gujarat/media/media_files/2024/10/21/4Q4gqS9amaAUc5ny0Vi3.jpg)
બંગાળની ખાડીમાં ઉદ્દભવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે.
મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વરસાદની મહત્તમ સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.
IMDએ રવિવારે જણાવ્યું હતું કે, 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે. હવામાનના વિશેષ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે આંદામાન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થવાની સંભાવના છે.