Connect Gujarat
દેશ

ભરૂચ: રૂપિયા આપી લગ્ન કર્યા પત્ની ભાગી જતા લગ્ન કરાવનારને જીવતો સળગાવી હત્યાનો કર્યો પ્રયાસ

X

ભરૂચનો ચકચારી બનાવ

આલી વિસ્તારમાં યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ

પોલીસે આરોપીની કરી ધરપકડ

પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચની જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાંચ તથા ભરૂચ "બી" ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન બુકાનીધારી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલ થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો.આગની લપેટમાં આવી થયેલ કિશન વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી નેશનલ હાઇવે નજીક ફરી રહ્યો છે. જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી આરોપી દીલીપ સોલંકીને દબોચી લેવામાં આવ્યો હતો તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.આરોપી લગ્ન માટે કન્યા શોધવા અગાઉ ભરૂચ આવ્યો હતો દરમ્યાન કિશન વસાવા અને અન્ય લોકોએ ભેગા મળી તેને યુવતી બતાવી હતી અને રૂપિયા લઈ તેના લગ્ન કરાવી આપ્યા હતા.એક મહિના સુધી દિલીપ સોલંકી અને તેની પત્ની જામનગર ખાતે સાથે રહ્યા હતા બાદમાં તેની પત્ની ત્યાંથી જતી રહી હતી અને પરત આવી ન હતી. આથી દિલીપે લગ્ન કરાવનાર લોકો પાસે રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ તે ન આપતા તેણે બદલો લેવા કિશન વસાવાને જીવતો સળગાવી દીધો હોવાનું બહાર આવ્યું છે.આરોપી જામનગરમાં પ્રોહીબિશન સહિતના ગુનામાં સંડોવાયેલ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story