/connect-gujarat/media/media_files/2025/11/22/bengluru-2025-11-22-15-46-00.jpg)
બેંગ્લુરુમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને લોકો હચમચી ગયા છે. અહીં એક યુવકે પોતાના નાના ભાઈના વધતા ગુનાહિત અને હિંસક વર્તનથી કંટાળીને તેની જ હત્યા કરી નાખી હતી.
આ ભયંકર ઘટનામાં આરોપી સાથે તેના બે મિત્રો પણ સામેલ હતા. તેમણે પહેલા કારની અંદર ધનરાજની ગળે ચપ્પુ માર્યો અને પછી તેની લાશ નદી કિનારે ફેંકી દીધી.
મૃતકની ઓળખ 24 વર્ષીય ધનરાજ તરીકે થઈ છે. જ્યારે આરોપી મોટા ભાઈ શિવરાજની ઉંમર 28 વર્ષ છે અને બંને કલબુર્ગી જિલ્લાના રહેવાસી છે. પોલીસ અનુસાર ધનરાજ વારંવાર ચોરી, દારૂ પિવાની આદત અને પડોશીઓ સાથે ઝઘડા માટે જાણીતો હતો. તે પોતાના માતા-પિતા સાથે તેમજ મોટા ભાઈ સાથે પણ હિંસક વ્યવહાર કરતો હતો, જેનાથી પરિવાર લાંબા સમયથી પરેશાન હતો.
ઘટનાનાં દિવસે શિવરાજે ધનરાજને Bannergatta NICE રોડ જંકશન નજીક કારમાં બેસાડ્યો હતો. તેની સાથે સંદીપ અને પ્રશાંત નામના બે મિત્રો પણ હતા. કારમાં બેઠેલા ધનરાજ પાછળથી બંને દ્વારા પકડી લેવામાં આવ્યો અને ત્યારબાદ શિવરાજે તેની ગરદન પર ચપ્પુ વડે હુમલો કર્યો. કારની અંદર જ ધનરાજનો મોત નિપજ્યો. લાશને Bannergatta-Kaggalipura રોડ પર નદી કિનારે ફેંકી દેવામાં આવી અને કારની મેટ તથા હથિયાર ઇલેક્ટ્રોનિક સિટી નજીક નષ્ટ કરવા ફેંકી દેવામાં આવ્યા.
લાશ 6 નવેમ્બરે મળી હતી અને શરૂઆતમાં પોલીસને કુદરતી કે શંકાસ્પદ મૃત્યુનો અંદાજ હતો. પરંતુ નજીકની ખાનગી કંપનીના સીસીટીવી ફૂટેજે આખું રહસ્ય ઉકેલી દીધું, જેમાં આરોપીઓ કાર રોકીને મૃતદેહ ફેંકતા દેખાયા હતા. ગાડી નંબરના આધારે પોલીસએ ત્રણેયની ધરપકડ કરી. હાલ ત્રણેયને હત્યાના ગુનામાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.