/connect-gujarat/media/media_files/2025/12/12/andhraprdesh-2025-12-12-12-39-25.jpg)
આંધ્રપ્રદેશના ASR જિલ્લાના ચિંટુરુ વિસ્તારમાં એક દિલદહોળી નાખનાર માર્ગ અકસ્માત સર્જાયો છે.
ભદ્રાચલમથી દર્શન કરી પરત ફરતા 35 જેટલા મુસાફરોને લઈને જઈ રહેલી બસ ઘાટ રોડ પર નિયંત્રણ ગુમાવતા ખીણમાં ખાબકી ગઈ. ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં અનેક મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તરત જ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. રેસ્ક્યૂ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને તમામ ઘાયલોને ભદ્રાચલમની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ASR જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે જણાવ્યું કે અકસ્માત ચિંટુરુ–ભદ્રાચલમ વચ્ચે આવેલો મુશ્કેલ અને જોખમી ઘાટ રોડ પર થયો હતો, જ્યાં વળાંક લેતા પહેલાં જ બસનો બેલેન્સ બગડ્યો અને બસ રસ્તા પરથી નીચે પટકાઈ ગઈ. મુસાફરો મુજબ, ઘટના એટલી ઝડપથી બની કે તેમને ખુદને સંભાળવાની તક જ મળી નહોતી. પ્રવાસીઓનો સમૂહ ભદ્રાચલમ મંદિરના દર્શન પૂર્ણ કર્યા બાદ અન્નવરમ જવા માટે નીકળ્યો હતો અને બસ ચિત્તૂર જિલ્લાથી ભાડે લીધી હતી.
અકસ્માત પછી સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બચાવ કામગીરી માટે જગ્યા ખાલી કરાવી હતી. બસને ભારે નુકસાન થયું છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ મુસાફરોની હાલતને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક વધવાની ભીતિ અધિકારીઓએ વ્યક્ત કરી છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘાટ રોડ પર વધારાની સલામતી વ્યવસ્થાઓ અંગે પણ વહીવટીતંત્ર પુનઃવિચાર કરી રહ્યું છે.