/connect-gujarat/media/media_files/2025/12/13/shanti-2025-12-13-14-42-13.jpg)
કેન્દ્રની મોદી કેબિનેટે SHANTI (Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) બિલને મંજૂરી આપીને ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક ઐતિહાસિક વળાંક લાવ્યો છે.
આ નિર્ણય સાથે જ 1962ના Atomic Energy Act પછીનો સૌથી મોટો સુધારો શક્ય બન્યો છે, જેનાથી 63 વર્ષથી ચાલતો રાજ્યનો એકાધિકાર તૂટી જશે. અત્યાર સુધી પરમાણુ ઊર્જા ક્ષેત્ર માત્ર પરમાણુ ઊર્જા વિભાગ (DAE) અને સરકારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન (NPCIL) સુધી સીમિત હતું, પરંતુ હવે ખાનગી કંપનીઓ માટે પણ પ્રવેશના દ્વાર ખુલશે. જોકે, સુરક્ષા, રિએક્ટર સંચાલન અને સંવેદનશીલ પરમાણુ સામગ્રી પર સરકારનો સંપૂર્ણ નિયંત્રણ યથાવત્ રહેશે, જ્યારે ખાનગી ક્ષેત્ર મૂડી, જમીન અને આધુનિક ટેકનોલોજી લાવશે.
આઝાદી બાદથી ભારતનું પરમાણુ ક્ષેત્ર એક કિલ્લાની જેમ બંધ રહ્યું છે. 1962ના કાયદા મુજબ ખાનગી કંપનીઓ કે રાજ્ય સરકારોને પરમાણુ પ્લાન્ટ સ્થાપવા કે ચલાવવાની મંજૂરી નહોતી. પરિણામે, દાયકાઓમાં દેશ માત્ર 8 ગીગાવોટ જેટલી પરમાણુ ઊર્જા ક્ષમતા ઉભી કરી શક્યો છે, જે દેશની કુલ વીજળી ઉત્પાદનનો માત્ર 3 ટકા હિસ્સો છે. SHANTI બિલ આ સ્થિતિ બદલવાનો પ્રયાસ છે, જેમાં Atomic Energy Act, 1962 અને Civil Liability for Nuclear Damage Act, 2010માં સંશોધન કરીને ‘કંપની’ની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવશે. Companies Act, 2013 હેઠળ નોંધાયેલી ખાનગી કંપનીઓને હવે લાઇસન્સ મળી શકશે.
ખાનગી ક્ષેત્રની ભૂમિકા ખાસ કરીને એટલા માટે મહત્વપૂર્ણ બની છે કે ભારતે 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. હાલની 8 ગીગાવોટથી આ લક્ષ્ય સુધી પહોંચવા માટે અંદાજે ₹15 થી ₹19 લાખ કરોડ જેટલી વિશાળ મૂડીની જરૂર પડશે, જે એકલા NPCIL માટે સંભાળવી લગભગ અશક્ય છે. ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને નવી ટેકનોલોજીમાં રોકાણ કરશે અને ઉત્પાદિત વીજળીની માલિક બની તેને વેચી શકશે. જ્યારે સરકાર રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને યુરેનિયમ જેવી સંવેદનશીલ સામગ્રીનું નિયંત્રણ રાખશે. આ સાથે ફેક્ટરીમાં બનતા સસ્તા, ઝડપી અને વધુ સુરક્ષિત સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR)ના વિકાસને પણ મોટો વેગ મળશે.
આ નિર્ણય ભારતના આબોહવા લક્ષ્યો સાથે પણ સીધો જોડાયેલો છે. પરમાણુ ઊર્જા કોલસા જેવી પ્રદૂષક ઊર્જા કરતાં ઘણી સ્વચ્છ અને સૌર-પવન ઊર્જા કરતાં વધુ સ્થિર સ્ત્રોત માનવામાં આવે છે. નેટ-ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધવા માટે પરમાણુ ઊર્જાની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે. સૌર અને પવન ઊર્જામાં PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ સફળ રહ્યો હોવાથી, હવે આ જ મોડેલ પરમાણુ ક્ષેત્રમાં પણ અપનાવવામાં આવશે.
જોકે, ખાનગીકરણ સાથે પડકારો પણ જોડાયેલા છે. સૌથી મોટો મુદ્દો 2010ના Civil Liability for Nuclear Damage Act હેઠળની જવાબદારી (લાયબિલિટી) છે, જેમાં ઉપકરણ સપ્લાયરો પર ભારે જવાબદારી મુકવામાં આવી છે. ઉદ્યોગ જગતનું માનવું છે કે જો આ જોગવાઈમાં સ્પષ્ટતા અને થોડી રાહત નહીં મળે તો વૈશ્વિક કંપનીઓ, ખાસ કરીને અમેરિકન અને યુરોપિયન ટેકનોલોજી પ્રદાતાઓ, ભારતમાં રોકાણ કરતાં ખચકાશે. SHANTI બિલમાં થનારા સુધારાથી આ લાયબિલિટી માળખું વધુ વ્યવહારુ બનવાની આશા છે. સાથે જ, સલામતી IAEAના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર જ રાખવામાં આવશે અને વિવાદોના ઝડપી નિરાકરણ માટે અલગ ન્યુક્લિયર ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં પોતાના બજેટ ભાષણમાં જ પરમાણુ ઊર્જા ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની જાહેરાત કરી હતી. તેમણે ‘ન્યુક્લિયર એનર્જી મિશન’ની પણ ઘોષણા કરી હતી, જેના અંતર્ગત SMRsના સંશોધન અને વિકાસ માટે ₹20,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને 2033 સુધીમાં પાંચ સ્વદેશી SMRs શરૂ કરવાની યોજના છે. SHANTI બિલને મળેલી કેબિનેટ મંજૂરી સાથે હવે આ દિશામાં ઝડપી અને મોટા ફેરફારની શરૂઆત થતી જોવા મળી રહી છે.