કોલકાતા બળાત્કાર કેસ અને બદલાપુરમાં છોકરીઓની જાતીય સતામણીના કેસ પછી, એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ મહિલાઓ વિરુદ્ધ ફોજદારી કેસ ધરાવતા નેતાઓનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, દેશમાં 16 સાંસદો અને 135 ધારાસભ્યો (કુલ 151 જનપ્રતિનિધિઓ) વિરુદ્ધ મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ નોંધાયેલા છે.
રિપોર્ટ અનુસાર IPCની કલમ 376 હેઠળ 16 જનપ્રતિનિધિઓ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં 2 સાંસદો અને 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. એક જ પીડિતા પર વારંવાર બળાત્કાર જેવા જઘન્ય કિસ્સાઓ પણ છે. જો દોષી સાબિત થાય તો તેમને આજીવન કેદની સજા થઈ શકે છે.મહિલાઓ વિરુદ્ધ અપરાધના મામલામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સાંસદો અને ધારાસભ્યો છે. અહીં 25 વર્તમાન જનપ્રતિનિધિઓ સામે આવા કેસ નોંધાયેલા છે. આ પછી આંધ્ર પ્રદેશના 21 અને ઓડિશાના 17 જનપ્રતિનિધિઓ મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસનો સામનો કરી રહ્યા છે.