/connect-gujarat/media/media_files/2025/12/04/indigo-2025-12-04-15-44-29.jpg)
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા એક સપ્તાહથી ઊભા કરેલા મોટા નેટવર્ક વિક્ષેપોના કારણે સતત સમાચારની હેડલાઇન્સમાં છે.
અનેક એરપોર્ટ પર મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે અને હજારો લોકો ફ્લાઇટ રદ થવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા મોદી સરકારે મંગળવારે કડક કાર્યવાહી કરતાં ઇન્ડિગોને તેની દૈનિક ફ્લાઇટ્સમાં 10 ટકા ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો, જેમાં એરલાઇનની કામગીરીમાં સ્થિરતા લાવવા તાત્કાલિક પગલાંની જરૂરિયાત દર્શાવવામાં આવી.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ અગાઉ ઇન્ડિગોને 5 ટકા ઓપરેશન્સ ઘટાડવાનો તાત્કાલિક આદેશ આપ્યો હતો, પરંતુ પરિસ્થિતિ સુધરતી ન હોવાથી તેને આજે 10 ટકા સુધી વધારવામાં આવ્યો. હાલમાં ઇન્ડિગો રોજના આશરે 2200 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, જેમાંથી 200થી વધુ ફ્લાઇટ્સ હવે અન્ય એરલાઇન્સને હસ્તાંતરિત કરવામાં આવશે જેથી મુસાફરોને વિકલ્પ મળી રહે અને વિક્ષેપ ઓછો થાય. ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઇપણ એરલાઇન કેટલીય મોટી હોય, નિયમોને અવગણવાની છૂટ નહીં મળે અને મુસાફરોને મુશ્કેલીમાં મુકવું સ્વીકાર્ય નથી.
ગત સપ્તાહથી ઇન્ડિગોની અંદર ચાલી રહેલા ટેક્નિકલ અને ઓપરેશનલ વિક્ષેપોના કારણે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો સતત વધી રહ્યો છે. મંગળવારે 9 ડિસેમ્બરે જ એરલાઇનને 422 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. 2 ડિસેમ્બરથી અત્યાર સુધી કંપની 4000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી ચૂકી છે, જેના કારણે અનેક એરપોર્ટ પર ગોઠવણની સ્થિતિ બગડતી ગઈ. મુસાફરોએ આખી રાત એરપોર્ટ પર પસાર કરી અને પોતાના ગુસ્સાનો પ્રદર્શિત કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. મુસાફરોનો સામાન જગ્યા જગ્યા પર ઢગલો થઈ ગયો હતો અને એરપોર્ટ સ્ટાફ સાથે વાદવિવાદની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
સીઇઓ પીટર એલ્બર્સે મંત્રાલય સાથેની બેઠકમાં ખાતરી આપી કે ઇન્ડિગો મુસાફરોને ચૂકવવાના રિફંડનું 100 ટકા પ્રોસેસિંગ પૂર્ણ કરી ચૂક્યું છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. એરલાઇનના આંકડાઓ મુજબ સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે—5 ડિસેમ્બરે 700, 6 ડિસેમ્બરે 1500, 7 ડિસેમ્બરએ 1650 અને 8 ડિસેમ્બરે 1800 ફ્લાઇટ્સ સામાન્ય રીતે ઓપરેટ થઈ હતી. મંગળવારે પણ સમાન સંખ્યામાં ફ્લાઇટ્સ ઉડી હતી, પરંતુ સંપૂર્ણ સ્થિરતા મેળવવા હજુ સમય લાગશે. કેન્દ્ર સરકારે વધારાનો 10 ટકા કાપ મૂકીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સર્વોચ્ચ т છે.