/connect-gujarat/media/media_files/2025/11/16/snoww-2025-11-16-18-19-15.jpg)
ઉત્તર અને મધ્ય ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે 16 અને 17 નવેમ્બરે શીતલહેરની કડક પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ દેશના મોટાભાગના ઉત્તર ભાગોમાં રાત્રિના સમયે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પૂર્વી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ન્યૂનત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે વહેલી સવારે ધુમ્મસ અને સાંજના સમયમાં ઠંડી ખૂબ વધી રહી છે. આ બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્ય, ખેતી, વાહનવ્યવહાર અને વીજ પુરવઠા પર વ્યાપક અસર થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
પૂર્વી રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં જ ન્યૂનત્તમ તાપમાન ઘણી જગ્યાએ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. વધતી ઠંડીને કારણે લોકોને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે પવનની દિશામાં આવેલા ફેરફારો અને પશ્ચિમ વિકક્ષો સાથે ઉત્તરથી આવતી ઠંડી હવાના પ્રવાહના કારણે આ સ્થિતિ ગંભીર બની રહી છે.
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો માહોલ વધુ ઘેરો બન્યો છે. વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે પહોંચી ગયું છે. વહેલી સવારે હાડ થીજી જાય તેવી ઠંડી, બપોરે થોડુંક સૂર્યપ્રકાશ અને સંજ ઢળતા ફરીથી કડકડતી ઠંડી—આ ત્રણેય પરિસ્થિતિઓ લોકજીવનને અસર કરી રહી છે. તાપમાનના ઝડપી ઉતાર-ચઢાવને કારણે શરદી-ખાંસી, તાવ જેવી તકલીફોમાં વધારો થયો છે અને આરોગ્ય વિભાગે ખાસ ચેતવણીઓ પણ જાહેર કરી છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના મોટા વિસ્તારોમાં તો તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે. તાબામાં માઇનસ 5.3 ડિગ્રી, કુકુમસેરીમાં માઇનસ 4.1, કેલાંગમાં માઇનસ 3.6 અને કલ્પામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આ સીઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત ગણાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવતા દિવસોમાં આકાશ સાફ રહેશે, પરંતુ રાત્રી દરમિયાન ઠંડીનો પ્રકોપ વધુ વધે એવી પૂર્ણ શક્યતા છે. બીજી તરફ, ઉના જિલ્લોમાં 28.2 ડિગ્રી સેલ્સિયસ સાથે દિવસનું તાપમાન સૌથી વધુ નોંધાયું, જે હિમાચલની અંદર જ હવામાનની તીવ્ર વિપરીત પરિસ્થિતિ દર્શાવે છે.