કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની બુલડોઝર કાર્યવાહી: 400 મુસ્લિમ પરિવારો બેઘર, કેરળ સરકાર ભડકી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અચાનક થયેલી કાર્યવાહીથી તેમને ઘર ખાલી કરવાની પણ તક આપવામાં આવી નહોતી, અને ઘણા લોકો કડકડતી ઠંડીમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે.

New Update
karnatak

કર્ણાટક સરકારે બેંગલુરુમાં 400થી વધુ ઘરો પર બુલડોઝર ચલાવ્યા બાદ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં ભારે વિવાદ ઉભો થયો છે.

આ કાર્યવાહીથી મોટી સંખ્યામાં લોકો, જેમાં મોટાભાગે મુસ્લિમ સમુદાયના પરિવારો હોવાનું કહેવાય છે, બેઘર બન્યા છે. ઘટનાને લઈને સત્તાધારી કોંગ્રેસ સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે, જ્યારે કેરળના લેફ્ટ ફ્રન્ટે આ કાર્યવાહી પર કડક પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર માનવતા વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો છે. પરિણામે કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

રિપોર્ટ મુજબ, બેંગલુરુમાં વર્ષના સૌથી કડકડતા ઠંડીના દિવસોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બેંગલુરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડની ટીમ 22 સપ્ટેમ્બરની વહેલી સવારે લગભગ 4 વાગ્યે ચાર જેસીબી મશીનો અને 150થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે કોગિલુ ગામના ફકીર કોલોની અને વસીમ લેઆઉટ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં મોટી સંખ્યામાં મકાનો તોડી પાડવામાં આવ્યા, જેના કારણે અંદાજે 400 પરિવારો એક ઝટકામાં બેઘર બની ગયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અચાનક થયેલી કાર્યવાહીથી તેમને ઘર ખાલી કરવાની પણ તક આપવામાં આવી નહોતી, અને ઘણા લોકો કડકડતી ઠંડીમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે.

કર્ણાટક સરકારનું કહેવું છે કે જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે ઉર્દૂ ગવર્નમેન્ટ શાળા પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યા હતા. સરકારના દાવા મુજબ, આ જમીન કચરો ફેંકવાની જગ્યા હતી અને જમીન માફિયાઓએ ધીમે ધીમે તેને ઝૂંપડપટ્ટીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, ત્યાંના રહેવાસીઓએ સરકારના આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે તેઓ વર્ષોથી ત્યાં રહેતા હતા અને તેમને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપવામાં આવી નહોતી. તેમનું કહેવું છે કે પોલીસે બળજબરીપૂર્વક તેમને ઘરમાંથી બહાર કાઢ્યા, જેના કારણે અનેક પરિવારોને કામચલાઉ શેલ્ટર હોમમાં કે ખુલ્લામાં રાત વિતાવવી પડી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા રહેવાસીઓ પાસે આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા સરકારી દસ્તાવેજો છે અને તેઓ છેલ્લા 20થી 25 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા હતા. આ મુદ્દે હવે કોંગ્રેસ સરકાર સામે જનાક્રોશ વધતો જઈ રહ્યો છે. બુલડોઝર કાર્યવાહીના વિરોધમાં અનેક વિસ્તારોમાં દેખાવો અને પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો મહેસૂલ મંત્રી કૃષ્ણા બાગરે ગોડના નિવાસસ્થાન સુધી પહોંચીને વિરોધ નોંધાવી ચૂક્યા છે. દલિત સંઘર્ષ સમિતિ સહિત અનેક સામાજિક સંગઠનો પણ આ વિરોધમાં જોડાયા છે.

આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કોંગ્રેસ સરકારની કડક ટીકા કરતા આ બુલડોઝર કાર્યવાહીને લઘુમતી વિરોધી નીતિ ગણાવી છે. કેરળના મંત્રી વી. શિવનકુટ્ટીએ તો આ પગલાને અમાનવીય ગણાવતા કહ્યું કે આવી કાર્યવાહી ઈમરજન્સીની યાદ અપાવે છે અને જે લોકો ધર્મનિરપેક્ષતા અને લોકશાહીના નામે સત્તામાં આવ્યા છે, તેઓ ગરીબોના ઘરો તોડી પોતાનો પાખંડ ઉજાગર કરી રહ્યા છે. બીજી તરફ, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ આ આરોપોનો જવાબ આપતા જણાવ્યું છે કે કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર હતી અને લોકોને સ્થળાંતર માટે સમય પણ આપવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ સરકાર બુલડોઝર રાજમાં વિશ્વાસ રાખતી નથી અને નેતાઓએ તથ્યો જાણ્યા વિના ટિપ્પણી ન કરવી જોઈએ.

Latest Stories