અરબી સમુદ્રમાં બીપોરજોય વાવાઝોડું વિકરાળ બન્યું છે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. જોકે બીપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. પરંતુ જો વાવાઝોડું દિશા બદલશે તો ગુજરાત પર ત્રાટકવાની સંભાવના છે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા.
હવામાન વિભાગના મતે પવન અને વાવાઝોડાની અસરને કારણે 11 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. 14 જૂન સુધી ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. બીપોરજોય વાવાઝાડાને પગલે ભાવનગર બંદર પર સિગ્નલ બદલાયા હતા. ઘોઘા, અલંગ, તળાજા અને મહુવા બંદર પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. તો દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો.
વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને જોતા આજે સુરતના સુંવાલી અને ડુમસ દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરાશે. જિલ્લા પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ દરિયા કિનારે ન જાય તે માટે ખાસ તકેદારી રખાશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન બિપરજોય ગુરુવારે (8 જૂન) તેનું ગંભીર સ્વરૂપ બતાવી શકે છે. 9મી જૂને પણ ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.