23 ઓગસ્ટની સાંજ ભારત માટે ઐતિહાસિક સમય લઈને આવી. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું અને દુનિયાનો અન્ય કોઈ દેશ આવી સિદ્ધિ કરી શક્યો નથી. સાથે જ ચંદ્રની સપાટી પર અવકાશયાન ઉતારનાર ભારત ચોથો દેશ બની ગયો છે. તે જ સમયે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચેરમેન એસ સોમનાથે ગુરુવારે કહ્યું છે કે હાલ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સારી રીતે કામ કરી રહ્યા અને આગળ પણ જાણકારી આપતા રહેશે. જો કે, તેમણે આ ચંદ્ર મિશનમાં આગળના પડકારો વિશે પણ ચેતવણી આપતા કહ્યું કે , "ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સંપૂર્ણ રીતે ઠીક છે અને બધુ જ સારી રીતે કામ કરી રહ્યું છે. પરંતુ ચંદ્ર પર વાતાવરણ હાજર નથી. આવી સ્થિતિમાં કોઈ પણ પદાર્થ ચંદ્રયાન-3 ની હિટ કરી શકે છે એટલે કે તેની સાથે ટકરાઇ શકે છે. આ સિવાય થર્મલ પ્રોબ્લેમ અને કોમ્યુનિકેશન બ્લેકઆઉટની સમસ્યા પણ આવી શકે છે."
ISROના ચીફ એસ. સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, "જો કોઈ લઘુગ્રહ અથવા અન્ય કોઈ પદાર્થ ચંદ્રયાન-3 સાથે ખૂબ જ તેજ ગતિએ અથડાશે તો લેન્ડર અને રોવર બંને નાશ પામશે. જો તમે ચંદ્રની સપાટીને નજીકથી જોશો તો તે ઘણા અંતરીક્ષ પિંડોના નિશાનથી ભરી પડી છે, પૃથ્વી પર પણ દર કલાકે લાખો અવકાશ સંસ્થાઓ આવે છે પરંતુ આપણે એ વિશે ખબર નથી પડતી કારણ કે પૃથ્વી પર વાતાવરણ છે અને આપણું વાતાવરણ તે બધા બાળી નાખે છે."