/connect-gujarat/media/media_files/2025/12/21/jammu-2025-12-21-14-44-22.jpg)
નવી દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સુધી ઉત્તર ભારતના વિશાળ વિસ્તારમાં હાડ ગાળતી ઠંડી અને ગાઢ ધુમ્મસે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારથી કડકડતી ઠંડીનો 40 દિવસનો સમયગાળો ‘ચિલ્લાઈ કલાન’ શરૂ થયો છે, જ્યારે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં આ સિઝનની સૌથી તીવ્ર ઠંડી અને કોલ્ડ વેવનો અનુભવ થયો છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટી સર્જાઈ છે, જેના સીધા પ્રભાવ હવાઈ, રેલ અને માર્ગ પરિવહન પર પડ્યા છે.
રાજધાની દિલ્હીમાં શનિવારે આ સિઝનમાં પહેલી વખત સત્તાવાર રીતે ‘કોલ્ડ વેવ’ જાહેર કરવામાં આવી હતી અને આ દિવસ ડિસેમ્બર મહિનાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. હવામાન વિભાગે ગાઢ ધુમ્મસને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ઝીરો વિઝિબિલિટીના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાઈ ઉડાનો, ટ્રેનો અને માર્ગ ટ્રાફિક પર ગંભીર અસર પડી હતી. દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાના કારણે 700થી વધુ ફ્લાઈટ્સના સંચાલન પર અસર નોંધાઈ હતી. માત્ર શનિવારે જ 129 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી, જ્યારે છેલ્લા દોઢ દિવસમાં કુલ 309 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. અનેક ફ્લાઈટ્સ વિલંબથી ચાલતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ સામેલ હતી.
ગાઢ ધુમ્મસે રેલવે વ્યવહારને પણ ખોરવી નાંખ્યો હતો. પટના તેજસ રાજધાની, દુરંતો એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ અને વિક્રમશિલા સુપરફાસ્ટ જેવી મહત્વની ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં કલાકો સુધી મોડેથી પહોંચી હતી. ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને વારાણસી સહિતના વિસ્તારોમાં પણ ઘુમ્મસના કારણે ફ્લાઈટ્સ અને ટ્રેનોના સમયપત્રકમાં મોટો ખલેલ પહોંચ્યો હતો. માત્ર વારાણસીમાં જ લગભગ 30 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક લગભગ 11 કિ.મી. રહી હતી અને ઉત્તર પ્રદેશ માટે રવિવાર તથા સોમવાર સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.
હિમાલયન વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારથી પરંપરાગત 40 દિવસનો ‘ચિલ્લાઈ કલાન’ સમયગાળો શરૂ થયો છે, જે દર વર્ષે 21 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન કડકડતી ઠંડી સાથે પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પુલવામા માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું સ્થળ નોંધાયું હતું, જ્યારે શ્રીનગરમાં તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું.
પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનો કહેર યથાવત રહ્યો હતો. પંજાબના ફરિદકોટમાં તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું, જે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું, જ્યારે હરિયાણાના જિંદમાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે જનજીવન અને પરિવહન વ્યવસ્થાને હજુ પણ સતર્ક રહેવાની જરૂર છે.