દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક કલાકથી આફતનો વરસાદ વરસી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ગુરુવારે શરૂ થયેલો વરસાદ શુક્રવારના સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. દિલ્હી-ગુરુગ્રામ હાઈવે પાણીમાં ડૂબી જવાને કારણે ઠેર-ઠેર અનેક વાહનો ફસાઈ ગયા હતા.
ગુરુગ્રામના વહીવટીતંત્રે ખાનગી સંસ્થાઓ પાસેથી ઘરેથી કામ કરવા માટે એડ્વાઇઝરી પણ જાહેર કરી છે. એ સિવાય નોઈડામાં શાળાઓને બંધ રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી ચોમાસું વિદાય લેતાં દિલ્હી-NCR માટે ભારે વરસાદનું ટેન્શન લઇને આવ્યું છે. તેની પાછળ બે અલગ-અલગ હવામાન પ્રણાલી છે. દિલ્હીમાં ભારે વરસાદના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરીને લોકોને છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપી હતી. તેમાં વિઝિબિલિટી પણ ઘટી શકે છે, ટ્રાફિક ખોરવાઈ શકે છે અને પાકા રસ્તાઓ તેમજ નબળા બાંધકામોને પણ નુકસાન થઈ શકે છે, એમ તેઓએ જણાવ્યું હતું. શહેરમાં લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. બપોરના 2 વાગ્યે હવાની ગુણવત્તા સૂચકાંક 61 (સંતોષકારક શ્રેણી) હતો. IMDએ કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.