/connect-gujarat/media/media_files/2025/11/23/delhi-pollution-2025-11-23-12-43-35.jpg)
શિયાળાની શરૂઆત સાથે જ દેશની રાજધાની દિલ્હીએ ફરી એક વખત ગંભીર હવા પ્રદૂષણની ચપેટ લીધી છે.
રવિવારે (23 નવેમ્બર) સવારે શહેરનો સરેરાશ AQI 380 નોંધાયો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે, પરંતુ દિલ્હીના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 400નો આંક પાર કરીને ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી AQI સતત ઊંચો નોંધાઈ રહ્યો છે—20 નવેમ્બરે 391, 21 નવેમ્બરે 364 અને 22 નવેમ્બરે 370—જે બતાવે છે કે પ્રદૂષણમાં કોઈ ઘટાડો થતો નથી.
આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, બુરાડી ક્રોસિંગ, મુંડકા, નરેલા, નેહરૂ નગર, પંજાબી બાગ, રોહિણી, સોનિયા વિહાર, વિવેક વિહાર, નોર્થ કેમ્પસ અને વઝીરપુર જેવાં મોનિટરિંગ સ્ટેશનો પર AQI 400થી ઉપર રહ્યો.
ખાસ કરીને વઝીરપુર અને વિવેક વિહારમાં AQI 440–450 વચ્ચે નોંધાયો હતો, જે સ્થિતિ કેટલો ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તે સ્પષ્ટ કરે છે. માત્ર મંદિર માર્ગ જ એવો વિસ્તાર હતો જ્યાં AQI 298 સાથે હવા ગુણવત્તા અન્ય વિસ્તારો કરતાં થોડું સારો હતો, જોકે તે પણ ‘ખરાબ’ શ્રેણીમાં જ ગણાય છે.
વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શન અનુસાર દિલ્હી સરકારે ખાનગી ઓફિસોને 50% કર્મચારીઓને જ સ્થાન પર બોલાવવાની સલાહ આપી છે અને બાકીના કર્મચારીઓને Work From Home ચાલુ રાખવા સૂચના આપી છે.
હાલમાં GRAP-3 હેઠળની પ્રતિબંધાત્મક કાર્યવાહી અમલમાં છે, જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, જરૂરિયાતરહિત વાહન વપરાશમાં ઘટાડો અને હવા ગુણવત્તા જાળવવા માટેના અન્ય સક્રિય પગલાં સામેલ છે. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે GRAP-3ના તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, કારણ કે જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવું હાલની સૌથી મોટી પ્રાથમિકતા છે.
પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ હાલ પણ પરાલી બાળવાની અસર છે, જે પવનની ઓછી ગતિ અને ઘટાડેલા તાપમાન સાથે મળીને પ્રદૂષકોને જમીનની સપાટી નજીક અટકાવી દે છે. તેમાં ઉમેરો કરે છે વાહનોનું ઉત્સર્જન, ઉદ્યોગો અને બાંધકામની પ્રવૃત્તિઓ. આ તમામ પરિબળો મળીને દિલ્હીની હવાનું સ્તર સતત ઝેરી બનાવે છે અને રહેવાસીઓને સ્વાસ્થ્ય જોખમોમાં ધકેલી રહ્યા છે.