ઇન્ડિગો સંકટ વચ્ચે DGCAની સખત કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ

ઇન્ડિગો એરલાઇનમાં છેલ્લા કેટલાક સમયથી ઊભા થયેલા સંચાલન સંકટ અને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બાદ હવે DGCAએ કડક પગલું ભર્યું છે.

New Update
indigo

ઇન્ડિગો એરલાઇનમાં છેલ્લા કેટલાક સમયથી ઊભા થયેલા સંચાલન સંકટ અને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બાદ હવે DGCAએ કડક પગલું ભર્યું છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ ઇન્ડિગો એરલાઇન પર પૂરતી અને અસરકારક દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર્સ(FOIs)ને તરત જ સસ્પેન્ડ કરી દીધા છે. આ FOIs ઇન્ડિગો માટે પ્રિન્સિપલ ઇન્સ્પેક્ટિંગ ઑફિસર(PIO) તરીકે નિયુક્ત હતા અને તેમની મુખ્ય જવાબદારી એરલાઇનની રોજિંદી કામગીરી, સલામતી ધોરણો અને સૌથી મહત્વપૂર્ણ—પર્યાપ્ત પાઈલટ અને ક્રૂની ઉપલબ્ધતા—ની દેખરેખ રાખવાની હતી. DGCAના અનુસાર, આ ઇન્સ્પેક્ટરો તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે ઇન્ડિગોમાં સંસાધનોની અછત લાંબા સમયથી ચાલતી હોવા છતાં તે સમયસર નજરમાં આવી ન શકી.

DGCAની આંતરિક સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે ઇન્ડિગો એરલાઇન પાસે પાઈલટોની ગંભીર અછત હોવા છતાં સંચાલન ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું. FOIsની દેખરેખમાં ખામીના કારણે એરલાઇન પર પડેલા ભારને કારણે હજારો મુસાફરોને ફ્લાઇટ રદ થવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઇન્સ્પેક્ટરો કોન્ટ્રેક્ટ પર DGCAમાં કાર્યરત હતા અને તેમને ખાસ કરીને મોટી એરલાઇન કંપનીઓની સલામતી અને ઓપેરેશનલ ઓડિટ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે તેઓએ ઇન્ડિગો સંબંધિત મહત્વનાં ડેટા, રોસ્ટર મેનેજમેન્ટ, પાઈલટ ફ્લાઇંગ કલાકો, આરામના સમય અને સ્ટાફિંગ રેશિયોમાં જરૂરી પારદર્શિતા જાળવી નહોતી.

આ બેદરકારીને ગંભીરતાથી લેતા DGCAએ તાકીદે ચારેય ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા અને વધારાની ઓડિટ પ્રક્રિયા શરૂ કરી છે. સ્પષ્ટ સૂચન આપવામાં આવ્યું છે કે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો, જે રોજિંદા લાખો મુસાફરોને સેવા આપે છે, તેના સંચાલનમાં એક પણ ખામી દેશવ્યાપી હવાઈ મુસાફરી સિસ્ટમને અસર કરી શકે છે. DGCA હવે ઇન્ડિગોની પાઈલટ-ક્રૂ ઉપલબ્ધતા, તાલીમ, સલામતી ઓડિટ અને રોસ્ટર મેનેજમેન્ટમાં સુધારા લાવવા માટે વિશેષ મોનિટરિંગ સેલ બનાવવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં DGCA તરફથી વધુ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે એરલાઇનની ક્ષમતા કરતાં વધુ ફ્લાઇટ્સ ચલાવવાના મુદ્દે તપાસ હજુ પણ ચાલુ છે.

Latest Stories