મણિપુરમાં સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ: UKNAના ચાર આતંકીઓ ઠાર

ખનપી ગામમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના ચાર ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આ ગામ ચુરાચાંદપુરથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમ તરફ આવેલું છે.

New Update
manipur

મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ મોટું ઓપરેશન હાથ ધર્યું.

ખનપી ગામમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના ચાર ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આ ગામ ચુરાચાંદપુરથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમ તરફ આવેલું છે. સંરક્ષણ સૂત્રો અનુસાર, આ ઓપરેશન ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ સેનાના જવાનો પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી. આ ગોળીબારમાં UKNA સંગઠનના ચાર સભ્યો માર્યા ગયા. ઓપરેશન બાદ વિસ્તારમાં સુરક્ષા દળોએ વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી અન્ય કોઈ ઉગ્રવાદી છુપાયેલો હોય તો તેને ઝડપવી શકાય.

UKNA એક બિન-એસઓઓ (Suspension of Operation) સંગઠન છે, એટલે કે તેનું ભારત સરકાર સાથે કોઈ યુદ્ધવિરામ કરાર નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સંગઠન મણિપુરમાં હિંસાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું જણાય છે. UKNAના સભ્યો પર ગામના મુખીની હત્યા, સ્થાનિક નાગરિકોને ધમકાવવાની અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાઓમાં સંડોવણીનો આરોપ છે. આ હિંસક પ્રવૃત્તિઓને કારણે જ સેનાએ આ ગુપ્ત કાર્યવાહી હાથ ધરી હતી.

મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે અનેક કૂકી અને ઝોમી ઉગ્રવાદી જૂથોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી છે, પરંતુ UKNAએ આ પ્રક્રિયામાં ભાગ લીધો નથી. સેના અને આસામ રાઇફલ્સે આપેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય વિસ્તારની શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું છે. સાથે જ, તેમણે ખાતરી આપી કે નાગરિકોની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે આગામી દિવસોમાં પણ આવા ઓપરેશનો ચાલુ રહેશે.

હાલમાં ખનપી અને આસપાસના વિસ્તારોમાં સેનાએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી કોઈ અશાંતિ કે હિંસક પ્રવૃત્તિ ફરી ન થાય.

Latest Stories