/connect-gujarat/media/media_files/2025/12/09/ethanol-2025-12-09-14-07-13.jpg)
રાજ્યસભામાં ઉઠેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ મિશ્રણને કારણે નવા કે જૂના બંને પ્રકારના વાહનોમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે E20 ઇંધણ પર ચાલતા વાહનોમાં સ્ટાર્ટિંગ, માઇલેજ અથવા એન્જિન કમ્પેટિબિલિટી જેવી કોઈ ગડબડ જોવા મળી નથી. જુના વાહનોમાં પણ નકારાત્મક અસર કે અસામાન્ય ઘસારો નોંધાયો નથી. થોડાક જૂના મોડલ્સમાં રબરનાં ભાગો અથવા ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે, પરંતુ આ કાર્ય સરળ, ઓછા ખર્ચાળ અને સામાન્ય સર્વિસિંગ સાથે કરી શકાય એવું છે.
સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ સતત વધ્યું છે. 2020–21માં મિશ્રણનો દર 8.10% હતો, જે 2023–24માં 14.60% સુધી પહોંચ્યો. ચાલું વર્ષમાં આ મિશ્રણ વધીને 19% કરતાં પણ વધુ થયું છે. સરકારે જણાવ્યું કે 2024–25માં ઇથેનોલની સરેરાશ ખરીદી કિંમત ₹71.55 પ્રતિ લિટર છે, જે રિફાઇન્ડ પેટ્રોલ કરતાં ઊંચી છે, પરંતુ તેમ છતાં આ નીતિથી દેશને મોટા ફાયદા મળ્યા છે.
કેન્દ્રના જણાવ્યા મુજબ, ઇથેનોલ મિશ્રણથી 1.55 લાખ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે. ખેડૂતોને 1.36 લાખ કરોડ રૂપિયાનું ચૂકવણી સ્વરૂપે સીધો લાભ મળ્યો છે. ઉપરાંત, અત્યાર સુધીમાં આશરે 79 મિલિયન મેટ્રિક ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને 26 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનું રિપ્લેસમેન્ટ થયું છે, જે દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે.
સરકારે વધુમાં જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણનો મુખ્ય હેતુ પર્યાવરણીય સ્થિરતા, આયાત નિર્ભરતા ઘટાડવો અને કૃષિ ક્ષેત્રને ટેકો આપવાનો છે. રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ અનુસાર 2030 સુધી પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાં દેશે 2024–25ના 11 મહિના દરમિયાન સરેરાશ 19.24% મિશ્રણ હાંસલ કરીને મહત્વની પ્રગતિ દર્શાવી છે.