/connect-gujarat/media/post_banners/c99921e426d2fb202175b3393901ec695225f13a3abef7a02924fa9cfac996b4.jpg)
દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોની હતી ઉગ્ર માંગ
ડુંગળી પરથી નિકાસ પ્રતિબંધ હટાવવાની હતી માંગ
કેન્દ્ર સરકાર દ્વારા આખરે ધરતીપુત્રોના હિતમાં નિર્ણય
ખેડૂતોને ડુંગળી નિકાસ કરવાની છૂટ આપવામાં આવી
ડુંગળી પકવતા ગુજરાતના લાખો ખેડૂતોને થશે ફાયદો
દેશભરમાંથી ખેડૂતો ડુંગળી પરથી નિકાસનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારે આખરે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ ડુંગળી નિકાસ કરવાની છૂટ આપતા ગુજરાતના ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી છે.
ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે. ગત 2023ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે હવે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે, લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી. જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. આ બાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા. જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ હતું. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા. તો કેટલાક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.