ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ દર્દનાક ધટનામાં 10 નવજાત બાળકોનાં મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો. આ પછી આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી.
માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ આવી પહોંચી હતી અને 2 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.અહીં સરકારી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત બાદ સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.સવારે 5 વાગે ઝાંસી પહોંચેલા ડેપ્યુટી સીએમ અને સ્વાસ્થ્ય મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે અકસ્માતની ત્રણ તપાસ કરવામાં આવશે. પ્રથમ- આરોગ્ય વિભાગ કરશે. બીજું- પોલીસ કરશે. ત્રીજું- મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જો કોઈ ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.