ઈન્ડિગોની સિસ્ટમ ક્રેશથી ઉડાનો રદ: એરપોર્ટ્સ પર ખડકલાનો માહોલ કેમ?

છેલ્લા થોડા અઠવાડિયાઓમાં IndiGo દ્વારા 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થાય કે લાંબા કલાકો સુધી વિલંબિત થાય, તેવા બનાવોએ દેશભરના એરપોર્ટ્સ પર અસ્તવ્યસ્ત પરિસ્થિતિ ઊભી કરી છે.

New Update
indigo

ભારત હાલમાં હવાઈ મુસાફરીના અદ્વિતીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં કેન્દ્રબિંદુ બની છે દેશની સૌથી મોટી એરલાઈન IndiGo.

છેલ્લા થોડા અઠવાડિયાઓમાં IndiGo દ્વારા 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થાય કે લાંબા કલાકો સુધી વિલંબિત થાય, તેવા બનાવોએ દેશભરના એરપોર્ટ્સ પર અસ્તવ્યસ્ત પરિસ્થિતિ ઊભી કરી છે. મોટાં એરપોર્ટ્સ પર મુસાફરોની લાઈન સતત લાંબી બનતી જાય છે, સેલેબ્રિટી સહિત સામાન્ય યાત્રીઓને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટ કોઈ એક કારણનું પરિણામ નથી, પરંતુ અનેક વ્યવસ્થાપક ભૂલો, તકનીકી પડકારો અને નવા નિયમોની અસર એક સાથે દેખાઈ રહી છે.

શરૂઆતમાં IndiGo ફ્લાઈટ્સ લેટ પડવાની જોખમી પરિસ્થિતિને એરલાઈને નાની તકનીકી ખામી, શિયાળાની સીઝન મુજબ બદલાયેલ ટાઈમિંગ, એરપોર્ટ ભીડ અને હવામાન જેવી સામાન્ય બાબતો સાથે સંકળાવી હતી. પરંતુ બધી મુશ્કેલીઓનું રૂપ બદલાયું જ્યારે સરકારે ‘ફ્લાઇટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન’ (FDTL) નામનો નવો નિયમ અમલમાં મૂક્યો, જે પાયલોટ્સને ઓવરવર્ક અને થાકથી બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. પહેલેથી જ ઘટાડેલ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં ઉડાનો સંચાલિત કરતી IndiGo માટે આ નિયમો ભારે પડ્યા. નવા નિયમો લાગુ થતા જ મોટી સંખ્યામાં પાઈલોટ્સ ફરજિયાત આરામ પર જતા રહ્યાં, સ્ટાફની ગંભીર અછત સર્જાઈ અને અનેક ફ્લાઇટ્સ રદ થઈ.

આ વચ્ચે એરબસ A320 સંબંધિત નવી ચેતવણી પણ તકલીફ વધારવા જેવી સાબિત થઈ. એરબસે જણાવ્યા મુજબ A320 એરક્રાફ્ટના કમ્પ્યુટર્સને ઓવરહિટિંગ અને અતિશય રેડિયેશનથી બચાવવા તાત્કાલિક સોફ્ટવેર અપડેટ ફરજિયાત હતો. વિશ્વભરના 6000થી વધુ અને ભારતના આશરે 250 વિમાનોને આ અપડેટની જરૂર હતી. જૂના મોડેલોમાં અપડેટ માટે એકથી બે દિવસ જેટલો સમય લાગે છે, જેના કારણે વિમાનો સેવા બહાર રાખવા પડ્યાં. DGCAએ સુરક્ષાને પ્રાથમિકતા આપીને કોઈપણ વિમાન અપડેટ વગર ઉડાડવા મનાઈ કરી, જેના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે થતી ઘણી ફ્લાઇટ્સ રદ થવા લાગી.

મુસાફરોની ભારે હાલાકી જોતા સરકારે કેટલાક નિયમોમાં આંશિક રાહત આપી. DGCAએ સૌથી વધુ વિવાદાસ્પદ નિયમ — ‘પાયલોટ્સના સાપ્તાહિક આરામને રજામાં રૂપાંતરિત ન કરી શકાતું’ — પાછો ખેંચી લીધો. આથી એરલાઈન્સ પાયલોટ્સને વધુ લવચીક રીતે રોસ્ટર કરી શકશે, જેને કારણે દબાણ ઘટાડવાની આશા છે. છતાં, પાયલોટ્સ યુનિયન સરકારના આ નિર્ણયથી ખુશ નથી; તેમનો સ્પષ્ટ આરોપ છે કે IndiGo મેનેજમેન્ટે અગાઉથી જાણ હોવા છતાં નવા નિયમો, સ્ટાફની જરૂરિયાત અને તકનીકી અપગ્રેડ્સ માટે યોગ્ય તૈયારી કરી નહોતી. નવી ભરતી માત્ર ટાળવામાં જ આવી નહીં, પરંતુ શરૂઆતથી જ ઓછા સ્ટાફ પર વધુ ભાર નાખવામાં આવ્યો, જેના કારણે સમસ્યા તીવ્ર થઈ.

ઘણા એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે IndiGoએ નિયમોમાં છૂટછાટ મેળવવા માટે સંકટને વધારે પ્રગટ થવા દીધું, જેથી સરકાર પર દબાણ વધે. જ્યારે પાયલોટ્સ યુનિયન આને મુસાફરોની અને પાયલોટ્સની સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલ મુદ્દો ગણાવે છે. પરિણામે, તંત્ર-વિવાદ અને વ્યવસ્થાપન વચ્ચેનો તણાવ હજી યથાવત છે.

હાલ પરિસ્થિતિ એવી છે કે એરપોર્ટ્સ પર ભારે ભીડ, રદ થયેલી ફ્લાઇટ્સ, ખોટી માહિતી અને કલાકો સુધી રાહ જોનાર મુસાફરોની હતાશા સૌથી મોટી હકીકત બની ગઈ છે. સરકારનું માનવું છે કે 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં સંચાલન પૂરેપૂરું સામાન્ય કરી દેવામાં આવશે. પરંતુ વાસ્તવિક પડકાર એ છે કે IndiGoની આંતરિક વ્યવસ્થા, સ્ટાફ મોડેલ, તકનીકી અપડેટ્સ અને નિયમનકારી દબાણ વચ્ચે આપોઆપ સંતુલન ક્યારે આવશે.

Latest Stories