/connect-gujarat/media/media_files/2024/11/17/qXsD7tyfwgHQI7DBQA9k.jpg)
દેશભરમાં હાડ થીજવતી ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત્ રહ્યો છે.
પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા અને તાપમાનમાં આવેલા મોટા ઘટાડાની સીધી અસર હવે મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. સોમવારે વહેલી સવારે દેશની રાજધાની દિલ્હી ઘનઘોર ધુમ્મસમાં ગરકાવ થઈ ગઈ હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને માત્ર 50 મીટર સુધી સીમિત રહી, જેના કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી તો કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી. ધુમ્મસ અને ઠંડીના કારણે રસ્તા, રેલવે અને હવાઈ સેવાઓ પર વ્યાપક અસર પડી છે અને સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મૂકાયું છે.
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનું સંયોજન લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. યુપીના આગ્રા, મેરઠ અને ગોરખપુર સહિત 37 જિલ્લાઓમાં હવામાન વિભાગે અત્યંત ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. સલામતીના કારણોસર અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પંજાબના એસબીએસ નગરમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી ગયું હતું, જ્યારે અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં પણ પારો 5થી 6 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. હરિયાણાના રેવાડીમાં તો વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે 10થી 15 મીટર દૂર પણ જોવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો.
પૂર્વ ભારત અને રાજસ્થાનમાં પણ સ્થિતિ ગંભીર બની છે. ઝારખંડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ મેક્લુસ્કીગંજમાં રવિવારે લઘુત્તમ તાપમાન ઘટીને 0.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જેના કારણે સમગ્ર વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો. બિહારમાં પટના સહિત 25 જિલ્લાઓમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. જહાનાબાદ, ગયા અને બક્સર જેવા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. રાજસ્થાનના પણ મોટા ભાગના શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે, જેના કારણે ઠંડીનું જોર વધુ અનુભવાઈ રહ્યું છે.
હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ પણ રાહતના નથી. 30 ડિસેમ્બરે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં ઠંડી યથાવત રહેશે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. 31 ડિસેમ્બરે ધુમ્મસમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ મધ્યમ ઠંડી ચાલુ રહેશે. જ્યારે 1 જાન્યુઆરીથી નવા વર્ષના પ્રારંભે પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા તથા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.