પૂર્વ IG અમર સિંહ ચહલનો આત્મહત્યાનો પ્રયાસ: 8 કરોડની સાયબર ઠગાઈનો ખુલાસો

પંજાબ પોલીસના પૂર્વ ઈન્સ્પેક્ટર જનરલ (IG) અમર સિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

author-image
By Connect Gujarat Desk
New Update
ex IG

પંજાબ પોલીસના પૂર્વ ઈન્સ્પેક્ટર જનરલ (IG) અમર સિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર હાલતમાં તેમની સર્જરી કરવામાં આવી. હોસ્પિટલ સૂત્રો અનુસાર સર્જરી બાદ તેમની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે, જો કે તેઓ હજુ તબીબી દેખરેખ હેઠળ છે.

આ ઘટના બાદ પોલીસને ચહલના નિવાસસ્થાનેથી 12 પાનાની વિગતવાર સુસાઈડ નોટ મળી આવી છે, જેણે સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. સુસાઈડ નોટમાં તેમણે પંજાબના DGP ગૌરવ યાદવને સંબોધીને લખ્યું છે કે તેમની સાથે આશરે 8.10 કરોડ રૂપિયાની ઓનલાઈન સાયબર ઠગાઈ થઈ છે. આ આર્થિક છેતરપિંડીના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતા, જેના પરિણામે તેમણે આ અતિશય પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

સુસાઈડ નોટમાં ચહલે ખુલાસો કર્યો છે કે સાયબર ઠગોએ પોતાને ‘વેલ્થ ઈક્વિટી એડવાઈઝર’ અને DBS બેંકના પ્રતિનિધિ તરીકે ઓળખાવી તેમની સાથે સંપર્ક સાધ્યો હતો. વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ મારફતે શેરબજાર, IPO અને ટ્રેડિંગમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાને બેંકનો CEO ગણાવી તેમનો વિશ્વાસ જીત્યો હતો અને નકલી ઓનલાઈન ડેશબોર્ડ બતાવીને રોકાણ કરાવ્યું હતું, જેમાં શરૂઆતમાં નફો દેખાડવામાં આવ્યો હતો.

ચહલે લખ્યું છે કે જ્યારે તેમણે પોતાના પૈસા પરત ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ સર્વિસ ટેક્સ, પ્રીમિયમ મેમ્બરશિપ અને અન્ય ચાર્જિસના નામે વધુ રકમની માંગ કરી હતી. આ રીતે તેમને સતત પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. કુલ મળીને તેમણે 8 કરોડ રૂપિયાથી વધુની રકમ અલગ-અલગ ખાતાઓમાં મોકલી હતી, જેમાંથી લગભગ 7 કરોડ રૂપિયા તેમણે અન્ય લોકો પાસેથી ઉધાર લીધા હોવાનું પણ તેમણે નોટમાં સ્વીકાર્યું છે.

પૂર્વ IGએ સુસાઈડ નોટમાં DGP ગૌરવ યાદવને વિનંતી કરી છે કે આ સમગ્ર સાયબર ઠગાઈ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. સાથે જ તેમણે માંગ કરી છે કે જેમની પાસેથી તેમણે નાણાં ઉધાર લીધા છે, તેમની તરફથી તેમના પરિવાર પર કોઈ દબાણ ન આવે તે માટે રક્ષણ આપવામાં આવે અને શક્ય હોય ત્યાં સુધી ઠગાઈની રકમ પરત અપાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે અમર સિંહ ચહલ પહેલેથી જ એક વિવાદાસ્પદ કેસને લઈને ચર્ચામાં રહ્યા છે. વર્ષ 2015માં ફરીદકોટના બહબલ કલાં અને કોટકપુરા ગોળીબાર કેસમાં તેઓ આરોપી છે. આ મામલે પંજાબ પોલીસની SITએ વર્ષ 2023માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ સાથે ચહલનું નામ પણ સામેલ હતું.

હાલ પટિયાલા પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. એક તરફ આત્મહત્યાના પ્રયાસના કારણોની તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ સાયબર ઠગાઈના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેમાં કોણ-કોણ સામેલ છે તે જાણવા માટે પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કેસે ફરી એકવાર સાયબર ફ્રોડના વધતા ખતરા અને તેની માનસિક અસર પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Latest Stories