/connect-gujarat/media/media_files/2025/11/26/indian-defence-2025-11-26-14-58-18.jpg)
ભારત હવે હથિયારોનો ગ્રાહક નહીં, પરંતુ અદ્યતન ટેક્નોલોજીનો સર્જક અને નિકાસકાર તરીકે ઊભરી રહ્યું છે.
નવી દિલ્હીમાં આયોજિત નૌસેનાના મહત્ત્વાકાંક્ષી સેમિનાર સ્વાવલંબન–2025 દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના બદલાતા સંરક્ષણ પરિસ્થિતિ પર મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું કે આજે ભારત માત્ર હથિયારો ખરીદનારો દેશ નથી, પરંતુ પોતાની ટેક્નોલોજી વિકસાવનાર, હથિયાર પ્રણાલીઓ બનાવનાર અને વિશ્વને નિકાસ કરનાર ઉદયમાન શક્તિ બન્યું છે.
તેમણે ભાર આપ્યો કે દેશમાં ચાલી રહેલું સ્વદેશીકરણનું આંદોલન માત્ર નીતિગત નિર્ણયનું પરિણામ નથી, પરંતુ વૈજ્ઞાનિકો, નવીનતા લાવનારાઓ, સ્ટાર્ટઅપ્સ, MSME અને યુવા પ્રતિભાની અવિરત મહેનતનું પ્રતિબિંબ છે. તેમના જણાવ્યા મુજબ, દેશની વ્યૂહાત્મક ક્ષમતા ત્યારે જ સંપૂર્ણ મજબૂત બની શકે, જ્યારે રક્ષા સાધનોની રચના, વિકાસ, ઉત્પાદન અને જાળવણીનો આધાર સંપૂર્ણપણે ભારતની જમીન પર ઉભો થાય.
વિદેશી સંરક્ષણ ઉપકરણો પરની નિર્ભરતા ઘટાડવી અત્યંત આવશ્યક છે, કારણ કે વિદેશી સાધનો માત્ર ખર્ચાળ જ નથી, પરંતુ તેમના સ્પેરપાર્ટ્સ અને જાળવણીની નિર્ભરતા દેશની રણનીતિને લાંબા ગાળે કમજોર પણ બનાવી શકે છે.
સેમિનારમાં હાજર નૌસેના પ્રમુખ એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું કે આ પહેલ વર્ષ પ્રતિ વર્ષ વધુ વ્યાપક બની રહી છે અને સ્ટાર્ટઅપ્સ તથા MSME દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી ટેક્નોલોજીઓ નૌસેનાની ક્ષમતાઓમાં પરિવર્તન લાવી રહી છે.
આ કાર્યક્રમમાં 80થી વધુ સ્ટાર્ટઅપ્સ અને MSME દ્વારા AI આધારિત સિસ્ટમ્સ, ઓટોનોમસ પ્લેટફોર્મ્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, અદ્યતન સેન્સર્સ તેમજ સ્ટેલ્થ ટેક્નોલોજી જેવા ભવિષ્યને દિશા આપતા ઈનોવેશન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રયાસ દર્શાવે છે કે ભારત હવે રક્ષણ ક્ષેત્રે માત્ર આયાતકાર નહીં, પરંતુ ટેક્નોલોજીની નવી યુગની દિશા નક્કી કરનાર સુરક્ષા શક્તિ તરીકે વિશ્વ મંચ પર પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યો છે.