/connect-gujarat/media/media_files/2024/12/19/wmLUvOwiVu7dCXbfeCIx.png)
મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું અને કડક નિવેદન આપ્યું છે.
ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં ગડકરીએ કહ્યું કે ભારતે હવે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવી જ પડશે અને આ દિશામાં સરકાર કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા તૈયાર નથી. તેમના નિવેદનને દેશના ટ્રાન્સપોર્ટ અને ઊર્જા ક્ષેત્રમાં મોટા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું અને મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો, નહીં તો યૂરો-6 જેવા કડક ઇમિશન નોર્મ્સ લાગુ કરીશ.” તેમણે ઉમેર્યું કે હવે ટ્રેક્ટર કંપનીઓએ પણ ફ્લેક્સ એન્જિન ટેકનોલોજી પર કામ શરૂ કરી દીધું છે. 100 ટકા ઇથેનોલ અને CNGથી ચાલતા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે, જે કૃષિ ક્ષેત્ર માટે એક મોટો પરિવર્તનકારક પગલું સાબિત થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુલને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય પણ પૂરી પાડી રહી છે. આવનારા સમયમાં કન્સ્ટ્રક્શન ઇક્યૂપમેન્ટ માટે જો કોઈ ફાઇનાન્સ લે છે અને તે અલ્ટરનેટિવ ફ્યૂલ અથવા બાયોફ્યુલ આધારિત વિકલ્પ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. ગડકરીએ કહ્યું કે આનો મુખ્ય હેતુ નવી અને પર્યાવરણમિત્ર ટેકનોલોજીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો છે, જેથી ઉદ્યોગો ઝડપથી આ દિશામાં આગળ વધે.
નિતિન ગડકરીએ એ પણ ખુલાસો કર્યો કે તાજેતરમાં ત્રણ નવા ટ્રક લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં બે ટ્રક એવા છે, જેમાં ડીઝલ અથવા પેટ્રોલ એન્જિનની સાથે હાઇડ્રોજન મિક્સ કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે એક ટ્રક સંપૂર્ણ રીતે હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી પર આધારિત છે. માત્ર ટ્રાન્સપોર્ટ નહીં, પરંતુ કન્સ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર ઇક્યૂપમેન્ટ ક્ષેત્રમાં પણ હાઇડ્રોજન અને બાયોફ્યુલના પ્રયોગો થઈ રહ્યા છે.
ગડકરીએ અંતમાં ભારપૂર્વક કહ્યું કે દેશનું ભવિષ્ય અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલ સાથે જોડાયેલું છે. પર્યાવરણ સુરક્ષા, આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવી અને ખેડૂતોને નવી આવકના સ્ત્રોત આપવાના દૃષ્ટિકોણથી આ માર્ગ ભારતને આગળ લઈ જશે. તેમના આ નિવેદનને ભારતના ટ્રાન્સપોર્ટ અને ઊર્જા ક્ષેત્રમાં મોટા નીતિગત પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.