સરકારે સંચાર સાથી એપનું પ્રી-ઇન્સ્ટોલેશન પાછું ખેંચ્યું, પ્રાઈવસી વિવાદ બાદ મોટો યુ-ટર્ન

સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને 28 નવેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવી રહેશે

New Update
sanchar app

કેન્દ્ર સરકારે નવા સ્માર્ટફોનમાં ફરજિયાત રીતે સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય અંતે પરત ખેંચી લીધો છે.

આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે જ્યારે આદેશ જાહેર થતાં જ દેશભરમાં યુઝર્સની પ્રાઈવસીને લઈને ભારે વિરોધ શરૂ થયો હતો. સરકારનું કહેવું હતું કે આ એપ સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે ફરજિયાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધની તીવ્રતા અને એપની ડિલીટ કરવાની સ્વતંત્રતા અંગે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આખું નિર્દેશ પાછું ખેંચવામાં આવ્યું. જો કે રસપ્રદ વાત એ છે કે માત્ર 24 કલાકમાં જ સંચાર સાથી એપને 6 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે, જે અગાઉની તુલનામાં 10 ગણો વધારો છે.

સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને 28 નવેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવી રહેશે અને પહેલાથી વેચાયેલા સ્માર્ટફોનમાંપણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ફરજિયાત રીતે પહોંચાડવાની રહેશે. આ નિર્ણય બાદ એવી શંકાઓ ઊઠી હતી કે યુઝર્સ એપને પોતાની ઇચ્છા મુજબ ડિલીટ કરી શકશે કે નહીં. વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને સરકારને પ્રાઈવસી હનનની ચિંતા અંગે જવાબ આપવા પડ્યા હતા. ત્યારબાદ સરકારે સ્પષ્ટ કર્યું કે એપ રાખવી ફરજિયાત નથી અને યુઝર ઈચ્છે તો તેને ડિલીટ કરી શકશે. આમ છતાં, વિવાદ ન અટકતાં સરકારે આખું પ્રી-ઇન્સ્ટોલેશન મોડલ જ પાછું ખેંચી લીધું છે.

સંચાર સાથી એપનો હેતુ મોબાઇલ યૂઝર્સને સાયબર સુરક્ષાના અનેક લાભો આપવાનો હતો. એપ દ્વારા યૂઝર પોતાના નામે કેટલી સિમ કાર્ડ એક્ટિવ છે તે ચકાસી શકે છે, મોબાઇલ ગુમ થાય તો તેને બ્લોક કરવા માટે અરજી કરી શકે છે, છેતરપિંડી કરનારી લિંક્સ અથવા વેબસાઇટ્સને રિપોર્ટ કરી શકે છે અને સ્પેમ કોલ્સ અથવા ફેક આંતરરાષ્ટ્રીય કોલ્સની જાણ કરી શકે છે. મોબાઇલ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેની પણ ચકાસણી શક્ય છે. અત્યાર સુધી યુઝરને આ બધા માટે પોર્ટલ પર જઈને કાર્યવાહી કરવાની જરૂર પડતી હતી, જ્યારે એપ દ્વારા આ કાર્યવાહી સીધી અને સરળ બનવાની હતી.

પ્રિ-ઇન્સ્ટોલેશનના આદેશને પાછો ખેંચવાથી યૂઝર્સને મોટો રાહત મળ્યો છે, કારણ કે હવે તેઓ પોતાની ઈચ્છા મુજબ જ એપ ઇન્સ્ટોલ કરી શકશે. સરકારનું કહેવું છે કે તેનો હેતુ માત્ર સાયબર સુરક્ષાને મજબૂત બનાવવાનો હતો, પરંતુ પ્રાઈવસી સંબંધિત ચિંતાઓને અવગણવું યોગ્ય નથી. હવે એપનો ઉપયોગ સંપૂર્ણ સ્વૈચ્છિક રહેશે અને સરકાર આ મુદ્દે નાગરિકોની ચિંતા સાંભળીને આગળનું પગલું ભરી રહી છે.

Latest Stories