ગ્રેટર નોઈડાના બિસરખ પોલીસ મથક ક્ષેત્રમાં આવેલા ગેલેક્સી પ્લાઝામાં ગુરુવારે ભયાનક આગ લાગી. આગ એટલી ભીષણ હતી કે ભાગદોડ મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે 5માં માળેથી કૂદવા લાગ્યા.
આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાચની દીવાલોવાળી ઈમારતમાંથી ભયંકર ધૂમાડો નીકળી રહ્યો છે અને ત્યાં કેટલાક લોકો લટકેલા છે. ઘણીવાર સુધી કોઈ મદદ ન મળતા લોકો કૂદવા લાગે છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજા થઈ છે.
આ ઘટના બપોરના સમયે ગૌર સિટી 1માં એવન્યૂ 1ના ત્રીજા માળે ઘટી. મળતી માહિતી મુજબ અગ્નિકાંડની સૂચના મળ્યા બાદ ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ પર હાલ કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેલેક્સી પ્લાઝામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. પરંતુ આ આગ ખુબ જ ઝડપથી ફેલાઈ ગઈ.
આગમાં ઘેરાયા બાદ જ્યારે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો તો અનેક લોકોએ ભેગા થઈને કાચ તોડવામાં સમજદારી સમજી. ગભરાયેલા લોકો મોલના ત્રીજા અને પાંચમા માળેથી લટકતા જોવા મળ્યા. રાહતની વાત એ રહી કે કૂદનારા લોકો માટે નીચે ગાદલા પાથરવામાં આવ્યા હતા.