/connect-gujarat/media/post_banners/1f546bf71cd50dc60d7c24be0bd581dd5986ea13ec67c6b8ffe0cd713aede9d8.webp)
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન ખાનની પૂછપરછ કરી હતી. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય પોલીસે હરિયાણાના નુહમાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન એક વ્યકતી પર ગોળી મારવાના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સોહના સિટી પોલીસ સ્ટેશનમાં 31 જુલાઇના રોજ નોંધાયેલી એફઆઈઆરના આધારે મહોમ્મદ કૈફની ધરપકડ કરી હતી. 31 જુલાઈના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના લોકો શોભાયાત્રા પર થયેલા હુમલા દરમિયાન માર્યા ગયા હતા. ગુરુગ્રામમાં મસ્જિદ પર થયેલા હુમલામાં એક ઈમામનું મોત થયું હતું.