/connect-gujarat/media/media_files/2025/12/25/farmer-2025-12-25-16-39-11.jpg)
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના મુદખેડ તાલુકામાં ગુરુવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં એક ખેડૂત પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જ્વાલા મુરાર ગામમાં એક જ પરિવારના ચાર સભ્યો—પતિ, પત્ની અને તેમના બે યુવાન પુત્રોના મૃતદેહ અલગ-અલગ સ્થળોએ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા છવાઈ ગઈ છે.
આ ઘટનાએ ફરી એકવાર ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતો સામે ઊભી થતી આર્થિક અને માનસિક મુશ્કેલીઓ તરફ ધ્યાન ખેંચ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે ગામમાં રહેતા રમેશ સોનાજી લખે (51) અને તેમના પત્ની રાધાબાઈ લખે (45)ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ ખાટલા પર પડેલા હતા, જેના પરથી ઘરમાં જ આત્મહત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘરની તપાસ શરૂ કરી હતી.
આ ઘટનાની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જ વધુ એક કરુણ દ્રશ્ય સામે આવ્યું, જ્યારે લખે દંપતીના બે પુત્રો ઉમેશ લખે (25) અને બજરંગ લખે (23)ના મૃતદેહો ઘરની નજીક આવેલા રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે કે બંને ભાઈઓએ ચાલતી ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હશે. ટ્રેક પર મળેલા દ્રશ્યો એટલા ભયાનક હતા કે ઘટનાસ્થળે હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.
પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે માતા-પિતાના મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે, જ્યારે બંને પુત્રોના મૃતદેહો રેલવે ટ્રેક પરથી મળી આવ્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવવામાં આવી છે. તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું ચોક્કસ કારણ અને ઘટનાની સાચી હકીકત સામે આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસના જણાવ્યા મુજબ આર્થિક તંગી, ખેતીમાં નુકસાન અથવા કોઈ ઘરેલું કંકાસ જેવી શક્યતાઓને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. જોકે, પાડોશીઓ અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લખે પરિવાર મહેનતુ અને શાંતિપ્રિય હતો અને તેઓ કોઈ મોટા વિવાદમાં સંડોવાયેલા હોવાનું જાણીતું નથી. પોલીસ પરિવારના સગાસંબંધીઓના નિવેદનો નોંધી રહી છે તેમજ કોઈ સુસાઈડ નોટ કે અંતિમ સંદેશ મળ્યો છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.