/connect-gujarat/media/post_banners/38d4c58e8786b6e276478302a6f103cd86ed51b573a456864a857296ff36f84c.jpg)
હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભુસ્ખલનની ઘટના બની છે. કાટમાળ નીચે બસ અને કાર સહિતના વાહનો દબાયાં છે. વાહનોમાં 40થી વધારે લોકો સવાર હોવાની શકયતા રહેલી છે. આઇબીપીટીની ટીમ બચાવ અને રાહત કામગીરી માટે કિન્નોર ખાતે પહોંચી છે.
હિમાચલની પહાડીઓમાં વસેલા રાજયો માટે ચોમાસું આફત લઇને આવ્યું છે. ચોમાસામાં એક તરફ આ રાજયોમાં દેશભરમાંથી પ્રવાસીઓ આવી રહયાં છે તો બીજી તરફ ભુસ્ખલન સહિતની કુદરતી આફતો લોકોના જીવ લઇ રહી છે. આજે બુધવારના રોજ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના ચોરામાં નેશનલ હાઇવે પર ભુસ્ખલન થયું છે. બસ અને કારો સહિતના વાહનો કાટમાળ નીચે દબાયાં છે.
આશરે 40 થી વધુ લોકોના કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. કાટમાળ નીચે દબાયેલી બસ હિમાચલ પ્રદેશ રોડવેઝની છે, જેમાં 40થી વધુ મુસાફરો સવાર હતાં તેમજ આ બસ કિન્નોરથી સિમલા જઇ રહી હતી. હજી પણ પહાડ પરથી પથ્થરો પડી રહયાં છે. ઘટનાસ્થળેથી જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે આ રસ્તો એકદમ પહાડના કિનારે છે. પહાડ પરથી પડી રહેલો કાટમાળ રસ્તા પરથી થઈને સીધો નીચે ખાઈમાં જઈ રહ્યો છે.
ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે આઇબીપીટીના ડીજી સાથે વાતચીત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ કરવામાં આવી છે. કાટમાળ હટયાં પછી જ કેટલા લોકોના જીવ ગયાં છે તેની વિગતો બહાર આવશે.