અરવલ્લીમાં ગેરકાયદે ખનનનો ખતરો યથાવત: 7 વર્ષમાં 71 હજારથી વધુ ઘટનાઓ

છેલ્લા સાત વર્ષમાં રાજ્યભરમાં ગેરકાયદે ખનન સંબંધિત કુલ 7,173 FIR નોંધાઈ છે, જેમાંથી ચોંકાવનારી રીતે 4,181 કેસ માત્ર અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાં જ થયા છે.

New Update
rajasthan

રાજસ્થાનમાં ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ સામે તંત્રની કાર્યવાહી છતાં અરવલ્લી પર્વતમાળાનું ભવિષ્ય હજુ પણ ગંભીર જોખમમાં હોવાનું સરકારી આંકડાઓથી સ્પષ્ટ થાય છે.

છેલ્લા સાત વર્ષમાં રાજ્યભરમાં ગેરકાયદે ખનન સંબંધિત કુલ 7,173 FIR નોંધાઈ છે, જેમાંથી ચોંકાવનારી રીતે 4,181 કેસ માત્ર અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાં જ થયા છે.

આ માત્ર પોલીસ કેસ નથી, પરંતુ જો નાની-મોટી તમામ ઘટનાઓ—જ્યાં દંડ વસૂલવામાં આવ્યો છે અથવા નોટિસ આપવામાં આવી છે—તે પણ ગણવામાં આવે તો છેલ્લા સાત વર્ષમાં સમગ્ર રાજસ્થાનમાં 71,322 ગેરકાયદે ખનનની ઘટનાઓ સામે આવી છે. આમાંથી 40,175 ઘટનાઓ એકલા અરવલ્લી ક્ષેત્રમાં નોંધાઈ છે, જે દર્શાવે છે કે રાજ્યના 20 જિલ્લાઓમાં ફેલાયેલી આ પ્રાચીન પર્વતમાળામાં ખનન માફિયાનો દબદબો કેટલો ઊંડો છે.

આ મુદ્દે સત્તા પરિવર્તન બાદ આંકડાઓને લઈને રાજકીય જંગ પણ તેજ બન્યો છે. કોંગ્રેસના પાંચ વર્ષ અને ભાજપના બે વર્ષના શાસનકાળ દરમિયાન નોંધાયેલી ઘટનાઓ અને પોલીસ ફરિયાદોના આંકડાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રામલાલ શર્માએ દાવો કર્યો છે કે, “રાજસ્થાન સરકાર અરવલ્લીના એક-એક પથ્થરને બચાવવા માટે કટિબદ્ધ છે અને છેલ્લા બે વર્ષમાં ખનન માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.” સરકારી આંકડાઓ મુજબ, 15 ડિસેમ્બર 2018થી 14 ડિસેમ્બર 2023 સુધીના કોંગ્રેસ શાસનકાળમાં અરવલ્લી ક્ષેત્રના જિલ્લાઓમાં ગેરકાયદે ખનનની 29,209 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકારના પ્રથમ બે વર્ષમાં, એટલે કે 13 ડિસેમ્બર 2023થી 2025 સુધી આ આંકડો 10,966 રહ્યો છે.

જો કે, ખાણ અને પેટ્રોલિયમ વિભાગના અગ્ર સચિવ ટી. રવિકાંતે સ્પષ્ટ કર્યું છે કે કુલ ઘટનાઓ અને FIR વચ્ચે સીધી સરખામણી કરવી યોગ્ય નથી. તેમના કહેવા મુજબ, જ્યારે વિભાગ પોતાની રીતે નોટિસ આપી દંડ વસૂલે છે ત્યારે તે ‘ઘટના’ ગણાય છે, પરંતુ હુમલો, ચોરી કે ગંભીર પ્રકારના ગુનામાં જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે. આ કારણસર કુલ ઘટનાઓની તુલનામાં FIRની સંખ્યા ઓછી દેખાય છે, પરંતુ જમીન પર ગેરકાયદે ખનનની હકીકત ગંભીર છે.

આ સમસ્યાનો સૌથી ભયાનક પાસો ખાણ માફિયાનો આતંક છે. રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકા રામ જુલીના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે માત્ર વર્ષ 2024માં જ ખાણ માફિયાએ અધિકારીઓ અને કર્મચારીઓ પર 93 હુમલા કર્યા હતા, જેમાં 311 કર્મચારીઓ અસરગ્રસ્ત થયા હતા. આ આંકડો બતાવે છે કે ખનન માફિયા માત્ર પર્યાવરણ માટે નહીં, પરંતુ કાયદો-વ્યવસ્થાના અમલ માટે પણ મોટો પડકાર બની ગયો છે.

તંત્ર દ્વારા દંડ અને ધરપકડની કાર્યવાહી પણ વ્યાપક સ્તરે કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન બદલ કુલ રૂ. 637.16 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન માત્ર અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાંથી રૂ. 231.75 કરોડની વસૂલાત થઈ હતી, જ્યારે ભાજપના વર્તમાન શાસનમાં અત્યાર સુધીમાં રૂ. 136.78 કરોડનો દંડ વસૂલાયો છે. આ સાથે જ, ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા 3,736 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાંથી 70,399 વાહનો તથા મશીનો જપ્ત કરાયા છે. રાજકીય તુલનામાં જોઈએ તો કોંગ્રેસના કાર્યકાળમાં 29,138 વાહનો જપ્ત કરાયા હતા, જ્યારે ભાજપના શાસનમાં અત્યાર સુધીમાં 10,616 વાહનો અને મશીનો જપ્ત થયા છે.

આ બધાની વચ્ચે અરવલ્લીની નવી વ્યાખ્યાને લઈને વિવાદ પણ ઘેરો બન્યો છે. પર્યાવરણ સચિવની સમિતિ દ્વારા સૂચવેલી અને 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી નવી વ્યાખ્યા અનુસાર, સ્થાનિક ભૂતલથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી જમીનને જ ‘અરવલ્લીની ટેકરી’ ગણવામાં આવશે. પર્યાવરણપ્રેમીઓનો ભય છે કે આ વ્યાખ્યાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખનન માટે રસ્તો ખુલશે અને અરવલ્લીનું પર્યાવરણીય સંતુલન વધુ ખોરવાશે. જો કે, પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી વિગતવાર વૈજ્ઞાનિક અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અરવલ્લીમાં ખનની કોઈ નવી લીઝ આપવામાં આવશે નહીં. છતાં, આંકડાઓ અને જમીન પરની હકીકત જોઈને અરવલ્લીના અસ્તિત્વને લઈને ચિંતા યથાવત છે.

Latest Stories