વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજી પણ ચિંતાનું કારણ છે. શિયાળાની શરૂઆતની સાથે જ ભારતમાં કોરોના નવા કેસો સામે આવી રહ્યા છે. આ પછી કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળે છે. ભારતમાં એક દિવસમાં 148 કોરોનાના કેસ નોંધાયા છે. શનિવારના રોજ કેન્દ્રિય મંત્રાલયે આ માહિતી આપી હતી. સવારે 8 કલાકે અપડેટ કરાયેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.
હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં કોરોનામાં સ્વસ્થ થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના પછી ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.