/connect-gujarat/media/media_files/2025/11/27/mirzapur-2025-11-27-16-11-14.jpg)
ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાંથી એક શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં ચુનાર વિસ્તારના મોચી ટોલામાં આવેલી જામા મસ્જિદમાં રાત્રે લગભગ બે વાગ્યે આગ લગાડવાનો બનાવ બન્યો હતો. મસ્જિદના મુખ્ય ગેટ અને લાકડાના દરવાજા આગની લપેટમાં આવી ગયા હતા, જ્યારે અંદર રાખેલો લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. અચાનક પ્રસરેલી આગની જ્વાળાઓ જોઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને લોકોને તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી અને સંવેદનશીલતા જોતા પુરતી ફોર્સ તહેનાત કરી દેવામાં આવી હતી.
પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ આગ કોઈ દુશ્મની કે ધાર્મિક વિવાદનો પરિણામ નથી, પરંતુ દારૂના નશામાં ધૂત પાંચ યુવકોની બેદરકારી અને શરારતનું પરિણામ છે. ઘટના બાદ આરોપીઓ રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશન સ્થળ પરથી ભાગી ગયા હતા, પરંતુ જુદી-જુદી જગ્યાઓથી તેમને પકડી લેવામાં આવ્યા છે. પૂછપરછમાં સૌએ સ્વીકાર્યું કે તેઓ દારૂના નશામાં હતા અને બેદરકારીપૂર્વક મસ્જિદમાં આગ લગાવી દીધી હતી.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડો તણાવ સર્જાયો હતો, પરંતુ પોલીસે ઝડપી એક્શન લઈને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. મિરઝાપુરના એએસપી મનીષ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આ ઘટના નશાની હાલતમાં બનેલી છે, કેસ નોંધાઈ ગયો છે અને તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે.