/connect-gujarat/media/media_files/2025/11/22/tejas-2025-11-22-16-10-10.jpg)
દુબઈ એર શોમાં શુક્રવારે એક દિલ દહલાવી દેનારી દુર્ઘટના બની હતી.
ભારતના સ્વદેશી લાઇટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસનું ડેમો ફ્લાઈટ દરમિયાન ક્રેશ થતા ભારતીય વાયુસેનાના શ્રેષ્ઠ યુવા પાયલટોમાંના એક નમંશ સ્યાલનું દુઃખદ અવસાન થયું. અલ મક્તૂમ એરપોર્ટ પર યોજાઈ રહેલા આ એર શોમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:40 વાગ્યે આ ઘટના બની હતી. દેશમાં અને ભારતીય વાયુસેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
35 વર્ષીય નમંશ સ્યાલનો જન્મ અને ઉછેર હિમાચલ પ્રદેશના પટિયાલકર ગામમાં થયો હતો. લગભગ 20 વર્ષની ઉંમરે જ તેમણે એરફોર્સમાં જોડાઈ પોતાની કારકિર્દીનું નિર્માણ શરૂ કર્યું હતું. તેમની સાહસિકતા, નિષ્ઠા અને ચોક્સાઈને કારણે તેઓ ટૂંક સમયમાં જ કુશળ પાયલટ તરીકે ઓળખાવા લાગ્યા હતા.
નમંશ સ્યાલના પરિવારનું એરફોર્સ સાથે લાંબુ જોડાણ રહ્યું છે. તેમના પિતા જગન્નાથ સ્યાલ પોતે પણ ભારતીય સેનામાં અધિકારી રહી ચૂક્યા છે અને બાદમાં શિક્ષણ વિભાગમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. તેમના પરિવારમાં સૈનિક મૂલ્યો અને રાષ્ટ્રસેવાની ભાવના બાળપણથી જ વેરાઈ ગઈ હતી.
પત્ની પણ એરફોર્સમાં પાયલટ
નમંશની પત્ની અફંશા પણ ભારતીય વાયુસેનામાં પાયલટ છે. વર્ષ 2014માં તેમનો લગ્નસંસાર શરૂ થયો હતો અને તેમને 7 વર્ષની એક દીકરી છે. દુબઈમાં જ બંનેએ લગ્ન કર્યા હતા અને મોટાભાગે નમંશનો પરિવાર ત્યાં જ રહેતો હતો. અફંશા સહિત આખો પરિવાર ભયંકર શોકમાં છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ નમંશનો મૃતદેહ હજુ પરિવાર સુધી પહોંચ્યો નથી અને ભારત સરકાર તેની વતનમાં વાપસી માટે દુબઈ અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
ગામમાં શોકનું માહોલ
નમંશના વતન પટિયાલકર અને સમગ્ર નગરોટા બગવાન વિસ્તારમાં તેમની વિદાયને લઈને ઊંડો શોક છવાયો છે. ગામના લોકો, સગાં–સંબંધીઓ અને પાડોશીઓ નમંશને એક વિનમ્ર, શાંત અને પ્રતિભાશાળી યુવાન તરીકે યાદ કરે છે.
નમંશ સ્યાલને દેશ હંમેશા એક બહાદુર, દેશપ્રેમી અને નિષ્ઠાવાન યોદ્ધા તરીકે યાદ રાખશે. તેજસ ક્રેશમાં તેમનું બલિદાન ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં હંમેશા અંકિત રહેશે.