/connect-gujarat/media/media_files/2025/12/04/indigo-2025-12-04-15-44-29.jpg)
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો મુસાફરો માટે મોટા સંકટનું કારણ બની છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુ સહિતના મુખ્ય એરપોર્ટ્સ પર લગભગ 400 ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. હજારો મુસાફરો એરપોર્ટ પર 12 થી 14 કલાક સુધી અટવાઈ પડ્યા, જેના કારણે એરપોર્ટ્સ પર હાહાકાર અને ગેરસમજનું વાતાવરણ સર્જાયું.
સતત વધતા રદબાતલના આંકડાએ ઇન્ડિગોની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
રિટર્ન-ટુ-બેક ફ્લાઇટ્સ રદ થવાની સમસ્યા ત્રીજા દિવસે પણ ચાલુ રહી. ગુરુવારે દિલ્હીમાંથી ઇન્ડિગોની 30 ફ્લાઇટ્સ રદ થઈ, હૈદરાબાદમાં 33 ફ્લાઇટ્સ બંધ રાખવામાં આવી અને બેંગલુરુમાં આ આંકડો 73 જેટલો રહ્યો. બુધવારે બપોર સુધીમાં જ લગભગ 200 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે ગુરુવારે 170 અન્ય ફ્લાઇટ્સ રદ થવા પામી. ઇન્ડિગો અનુસાર સ્ટાફની અછત, ટેકનિકલ મુશ્કેલીઓ, ખરાબ હવામાન અને શિયાળાને કારણે શેડ્યૂલમાં ફેરફારો મુખ્ય કારણ છે, પરંતુ આ સંકટ પાછળ DGCAના નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમો પણ જવાબદાર છે. આ નિયમો ક્રૂ માટે મહત્તમ ફ્લાઇટ કલાકો, ફરજ સમય અને જરૂરી આરામની મર્યાદાઓ નક્કી કરે છે, જે માનવીય દૃષ્ટિકોણથી જરૂરી છે, પરંતુ પાઇલટ્સની અછત ધરાવતી એરલાઇન્સ માટે મુશ્કેલી સર્જી રહી છે.
ઇન્ડિગોએ એક સત્તાવાર નિવેદન કરીને ક્ષમા માંગતા જણાવ્યું છે કે નાના ટેકનિકલ ઈશ્યુ, હવાઈ ટ્રાફિકમાં વધારો, શિયાળાના શેડ્યૂલ, ખરાબ હવામાન અને નવા રોસ્ટરિંગ નિયમો જેવા ઓપરેશનલ પડકારોને કારણે મુસાફરોને તકલીફો પડી રહી છે. બીજી તરફ મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ પર કોઈ અધિકારી યોગ્ય માહિતી આપતા નથી, જેના કારણે ગુસ્સો, ગુંજાળ અને લાચારીનો માહોલ બન્યો છે. એરપોર્ટ અધિકારીઓનો અંદાજ છે કે પરિસ્થિતિ થોડા દિવસો સુધી પડકારજનક રહી શકે છે, કારણ કે સ્ટાફિંગ અને શેડ્યૂલ સ્ટેબિલાઇઝ થવામાં વધુ સમય લાગી શકે છે.