/connect-gujarat/media/media_files/2025/11/09/jammu-2025-11-09-16-24-15.jpg)
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સૈન્યએ એક મોટું આતંકવાદી ઓપરેશન હાથ ધરી સફળતા મેળવી છે.
પાકિસ્તાની આતંકીઓએ કેરન સેક્ટર મારફતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાનો પહેલેથી જ એલર્ટ હોવાથી તેમણે તરત જ કાર્યવાહી કરી અને બે અજાણ્યા આતંકીઓને ઠાર કર્યા. સૈન્યના ચિનાર કોર્પ્સે આ અંગે એક્સ (ટ્વિટર) પર માહિતી આપી હતી કે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને વિસ્તાર હજુ પણ સર્ચ ઓપરેશન હેઠળ છે.
ઓપરેશન સિંદૂર શરૂ થયા બાદથી પાકિસ્તાની સરહદ પર આતંકી પ્રવૃત્તિઓમાં વધારો નોંધાયો છે. આ તાજેતરનું ઓપરેશન તેની જ કડીનો ભાગ છે, જ્યાં સૈન્યે પાકિસ્તાની આતંકીઓની પ્રવૃત્તિઓને મજબૂત રીતે નિષ્ફળ બનાવી છે.
બીજી તરફ, શ્રીનગર પોલીસએ ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે, જેઓની પાસેથી હથિયાર અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. મમતા ચોક પાસે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન રજિસ્ટ્રેશન વગરની બાઇક પર જતા ત્રણ શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડી પાડ્યા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શાહ મુતૈયબ, કામરાન હસન શાહ (બંને શ્રીનગરના) અને મોહમ્મદ નદીમ (મેરઠના રહેવાસી)નો સમાવેશ થાય છે.
આ સાથે અનંતનાગ, સોપોર, પુલવામા, શોફિયાં, બંદીપોરા, બડગામ, અવંતીપોરા અને કુલગામ જેવા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા વિશાળ શોધ કામગીરી હાથ ધરાઈ છે. પ્રતિબંધિત સંગઠન હિઝબુલના ગુલામ નબી ઉર્ફે આમીર ખાન અને ઝફર બટના ઘરો પર પણ તલાશી લેવામાં આવી છે. સૈન્ય અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી કાશ્મીર ક્ષેત્રમાં આતંકી ગતિવિધિઓ પર મોટો આઘાત પહોંચ્યો છે.