INS માહે ભારતીય નૌકાદળમાં સામેલ: 'સાયલન્ટ હન્ટર' સાથે સમુદ્રી સુરક્ષા વધુ સશક્ત

24મી નવેમ્બરે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને સત્તાવાર રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું.

New Update
INS Mahe

ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતામાં સોમવારે નોંધપાત્ર વધારો થયો છે.

24મી નવેમ્બરે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને સત્તાવાર રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી હાજર રહ્યા હતા. આ જહાજનું કમિશનિંગ ભારતીય નૌકાદળની રણનીતિક ક્ષમતા અને સ્વદેશી સૈન્ય ઉત્પાદનમાં વધતા આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.

INS માહે, માહે-ક્લાસનું પહેલું યુદ્ધ જહાજ, તેના ડિઝાઇન અને ક્ષમતાના કારણે દુશ્મન સબમરીનો માટે ‘સાયલન્ટ હન્ટર’ સાબિત થશે. ભારતની આત્મનિર્ભરતા નીતિને મજબૂત બનાવતાં આ યુદ્ધ જહાજનું 80 ટકા કરતાં વધુ બાંધકામ સ્વદેશી સામગ્રીથી કરવામાં આવ્યું છે. ડિઝાઇનથી લઈને ઇન્ટિગ્રેશન સુધીના તમામ તબક્કામાં ભારતીય તકનીકી કુશળતાનો દેખાવ થાય છે. કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત આ જહાજ નૌકાદળની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

લગભગ 78-મીટર લાંબું આ જહાજ ભારતીય નૌકાદળની પશ્ચિમી સમુદ્રી સરહદ પર પેટ્રોલિંગ અને રક્ષણની જવાબદારી નિભાવશે. INS માહે અત્યાધુનિક સોનાર સિસ્ટમ અને સેન્સર સાથે સજ્જ છે, જે તેને છીછરા પાણીમાં સબમરીન શોધી કાઢવામાં, નજર રાખવામાં અને જરૂરી હોય ત્યારે નાશ કરવાની ક્ષમતા આપે છે. તેનું મલ્ટી-મિશન ડિઝાઇન તેને એક સાથે અનેક ઓપરેશનો પાર પાડવાની શક્તિ આપે છે, જેમાં રિકૉનિસન્સ, શત્રુની ચાલચલન પર દેખરેખ અને એન્ટી-સબમરીન હુમલા સામેલ છે.

INS માહેના કાફલામાં જોડાયા બાદ ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બની છે. ભારતની વિશાળ સમુદ્રી સરહદોને ધ્યાનમાં રાખીને સબમરીન ખતરો વધતો જાય છે, ત્યારે આવા આધુનિક યુદ્ધ જહાજોની હાજરી દેશની રણનીતિક તૈયારીને નવી ઊંચાઈ આપે છે. INS માહેનો સમાવેશ માત્ર નૌકાદળની શક્તિમાં વધારો નહીં પરંતુ સ્વદેશી રક્ષણ ક્ષેત્રની પ્રગતિનું પણ મહત્વપૂર્ણ પ્રતિબિંબ છે.

Latest Stories