/connect-gujarat/media/media_files/2025/11/02/jaipur-2025-11-02-16-11-55.jpg)
રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવરમાં આવેલી પ્રતિષ્ઠિત નીરજા મોદી સ્કૂલમાં શનિવારે બપોરે બનેલી એક દુઃખદ ઘટના સમગ્ર શહેરને હચમચાવી ગઈ છે.
ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની વિદ્યાર્થીની અમાયરાએ શાળાના ચોથા માળેથી છલાંગ મારી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બપોરે આશરે 2 વાગ્યાના સમયગાળામાં બની હતી. બાળકીએ ચોથા માળેથી નીચે કૂદ્યા બાદ દિવાલ સાથે અથડાઈને ઝાડીઓમાં પડી હતી. બાળકીની ચીસો સાંભળીને સ્કૂલ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા. તરત જ લોહીલુહાણ હાલતમાં અમાયરાને નજીકની મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાએ શાળા વહીવટ પર અનેક સવાલો ઉભા કર્યા છે. દુર્ઘટના બાદ સ્કૂલ પ્રશાસને ઘટનાસ્થળ પરથી લોહીના ડાઘ સાફ કર્યા હોવાની માહિતી સામે આવી છે. પુરાવા નાશ કરવાનો આ પ્રયાસ કાયદાકીય રીતે ગંભીર ગુનો ગણાય છે. પોલીસે સ્કૂલના પ્રશાસનને પૂછપરછ માટે બોલાવ્યું છે અને માનસરોવર પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે સ્કૂલના ચોથા માળે બાળકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં. જો બાળકો ત્યાં પહોંચી શકે છે, તો રેલિંગની ઊંચાઈ અને સલામતીના પગલાં પૂરતા હતા કે નહીં, તે પણ તપાસનો વિષય છે.
અમાયરાનું પરિવાર આ ઘટનાથી ગાઢ શોકમાં છે. અમાયરા તેના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. તેના પિતા વિજય સિંહ દેવ LICમાં અધિકારી છે, જ્યારે માતા શિબાની દેવ બેંક ઓફ બરોડાની માલવિયા નગર શાખાની મુખ્ય મેનેજર છે. પરિવાર તાજેતરમાં જ મુરલીપુરા સ્કીમમાંથી માનસરોવરના દ્વારકા એપાર્ટમેન્ટ્સમાં ભાડાના ફ્લેટમાં શિફ્ટ થયો હતો. હોસ્પિટલમાં માતા પોતાની પુત્રીને ખોળામાં લેવાની વિનંતી કરતી હતી, જે દૃશ્ય હૃદયદ્રાવક હતું.
અમાયરાના પિતાએ માનસરોવર પોલીસ સ્ટેશનમાં નીરજા મોદી સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધાવી છે. પિતાનો આરોપ છે કે તેમની પુત્રી ખૂબ ખુશ અને સ્વસ્થ હતી અને સ્કૂલ જવાનું તેને ગમતું હતું. પરંતુ સ્કૂલની બેદરકારી અને ત્રાસને કારણે આ દુઃખદ ઘટના બની છે. પોલીસે સ્કૂલના CCTV ફૂટેજ કબજે કર્યા છે, જેમાં અમાયરા ચોથા માળે જઈને રેલિંગ પર થોડી વાર બેસતી અને પછી નીચે કૂદી પડતી દેખાઈ છે. પોલીસ FSL ટીમની મદદથી ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે.
આ ઘટના ફક્ત એક શાળાની બેદરકારી નહીં, પરંતુ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાના સુરક્ષા ધોરણો પર પણ સવાલ ઉભા કરે છે. નાની ઉંમરે બાળકીએ આવું પગલું કેમ ભર્યું? શું શાળામાં કોઈ માનસિક તણાવ કે દબાણ હતું? શું બાળકોની કાઉન્સેલિંગની વ્યવસ્થા પૂરતી છે? આવા પ્રશ્નોના જવાબ હવે તંત્ર અને સમાજ બન્નેને શોધવા પડશે.