અન્ના હજારેની ચીમકી બાદ મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદા પર ઝડપભર્યો નિર્ણય

અન્ના હજારે દ્વારા ફરી એકવાર ભૂખ હડતાળની ચેતવણી આપતા જ મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સમાજસેવી અન્ના હજારે 30 જાન્યુઆરી, 2026થી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેસવા જઈ રહ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
maharastra

અન્ના હજારે દ્વારા ફરી એકવાર ભૂખ હડતાળની ચેતવણી આપતા જ મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

સમાજસેવી અન્ના હજારે 30 જાન્યુઆરી, 2026થી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેસવા જઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો લોકાયુક્ત કાયદો તરત લાગુ નહીં કરવામાં આવે તો તેઓ અંતિમ શ્વાસ સુધી આ લડત ચાલુ રાખશે. અન્નાના પત્ર બાદ રાજ્યની રાજકીય ગતિવિધિઓમાં ચકચારી મચી છે, કારણ કે 2011માં તેમના આંદોલનના કારણે કેન્દ્ર અને દિલ્હી સરકારે કઠોર પગલાં લેવા પડ્યા હતા. આ વખતે પણ તેમના એલાનની અસર 24 કલાકની અંદર દેખાઈ છે.

અસંતોષનું મૂળ કારણ છે મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં થતાં વિલંબ. આ કાયદાને મંજૂરી મળ્યા પછી બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, સરકાર દ્વારા તેને અમલમાં મૂકવામાં આવ્યો નથી. અન્ના હજારે લાંબા સમયથી ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી અને મજબૂત લોકાયુક્ત વ્યવસ્થા માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં કહ્યું કે, "હાર્ટ એટેકથી મરવા કરતા દેશ માટે પ્રાણ ત્યાગવો સારું." આ સ્પષ્ટ શબ્દોએ સરકાર પર દબાણ વધાર્યું છે.

અન્નાની ચેતવણીના 24 કલાકની અંદર મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય વિધાનસભામાં લોકાયુક્ત એક્ટમાં ફેરફાર કરતાં IAS અધિકારીઓને પણ આ કાયદામાં સામેલ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. 2023ના લોકાયુક્ત કાયદામાં આ સુધારાથી હવે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલા IAS અધિકારીઓ પણ લોકાયુક્તની તપાસ અને જવાબદારી હેઠળ આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પગલું વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવશે અને ગુંચવણ દૂર કરશે.

ત્યારે અન્નાની સૌથી મોટી ફરિયાદ હજુ યથાવત છે—કાયદો અમલમાં ક્યારે આવશે? લોકાયુક્ત બિલ 2022માં વિધાનસભામાંથી, 2023માં વિધાન પરિષદમાંથી પસાર થયું હતું અને 2024માં રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ હતી. ત્યારબાદ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યું, પરંતુ એક વર્ષથી વધુ સમયથી કોઈ પ્રગતિ દેખાતી નથી. અન્ના હજારેનો આરોપ છે કે રાજ્ય સરકારમાં આ કાયદાને લાગુ કરવાની ઈચ્છાશક્તિનો અભાવ છે, અને આ જ કારણથી તેઓ ફરી હડતાળ પર બેસવા મજબૂર થયા છે.

નવી સંશોધિતવ્યવસ્થા અનુસાર, રાજ્યના બોર્ડ, નિગમો, સમિતિઓ અથવા અન્ય તંત્રોમાં તૈનાત IAS અધિકારીઓ પણ લોકાયુક્ત કાયદા હેઠળ આવશે. સરકારનું કહેવું છે કે આ સુધારા પછી કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ વચ્ચેની ગુંચવણ દૂર થશે અને ભ્રષ્ટાચાર સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી થઈ શકશે. અન્ના હજારેનો આંદોલન માત્ર વ્યક્તિગત મુદ્દો નથી, પરંતુ દેશની પારદર્શિતા અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થાની માંગ છે—અને એ જ મુદ્દે મહારાષ્ટ્રની રાજનીતિ ફરી એક વાર ઉથલપાથલ થઈ છે.

Latest Stories