/connect-gujarat/media/media_files/2025/11/05/up-2025-11-05-12-16-08.jpg)
ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના ચુનાર રેલવે સ્ટેશન પર બુધવારે સવારે એક ભયાનક દુર્ઘટના બની હતી, જેમાં ચાર શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો.
કાર્તિક પૂર્ણિમાના પવિત્ર અવસરે હજારો લોકો ગંગા સ્નાન માટે નીકળ્યા હતા, ત્યારે આ દુર્ઘટનાએ તહેવારના માહોલમાં શોક ફેલાવી દીધો.
મળેલી માહિતી મુજબ ચોપન-પ્રયાગરાજ પેસેન્જર ટ્રેનથી ઉતરેલા શ્રદ્ધાળુઓ ઉતાવળમાં પ્લેટફોર્મ નંબર 4 પરથી પાટા ઓળંગી રહ્યા હતા. એ સમયે વિપરિત દિશામાંથી કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી, જેની ચપેટમાં આ શ્રદ્ધાળુઓ આવી ગયા હતા. અથડામણ એટલી જોરદાર હતી કે મોટાભાગના લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. દુર્ઘટના બાદ રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ભયભીત બની ગયા હતા.
ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રેલવે વિભાગે મુસાફરોને ચેતવણી આપી છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ હંમેશા પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો જ ઉપયોગ કરે, કારણ કે પાટા ઓળંગવું જીવલેણ સાબિત થઈ શકે છે. કાર્તિક પૂર્ણિમા જેવા ધાર્મિક પ્રસંગો દરમિયાન ભારે ભીડ અને ઉતાવળને કારણે આવી દુર્ઘટનાઓ બને છે, તેથી તંત્ર દ્વારા વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ રહી છે.તંત્રએ મુસાફરોએ અપીલ કરી છે કે તે પોતાની સુરક્ષા માટે પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો જ ઉપયોગ કરે.