ગુજરાત ATS–રાજસ્થાન SOGની મોટી કાર્યવાહી, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ

પ્રાપ્ત માહિતી મુજબ, ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma નામની કંપનીના નામે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી.

New Update
ATS

ગુજરાત ATSએ નશાના કાળા કારોબાર સામે લડતમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસની SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી ખાતે ચાલતી એક ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે.

28 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવેલા આ દરોડામાં કરોડો રૂપિયાની કિંમતનો નશાકારક પદાર્થ, પ્રતિબંધિત કેમિકલ્સ અને ડ્રગ્સ બનાવવાની સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma નામની કંપનીના નામે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી કોઈને શંકા ન જાય તે રીતે અહીં નશાકારક પદાર્થોનું ઉત્પાદન થતું હતું. ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસની ટીમે આ ફેક્ટરી પર એકસાથે રેડ કરી હતી.

તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 22 કિલોગ્રામ સાયકોટ્રોપિક કેમિકલ અલ્પ્રાઝોલમનો પ્રીકર્સર તેમજ અડધો પ્રોસેસ થયેલો ડ્રગ્સનો માલ મળી આવ્યો હતો. સાથે સાથે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અનેક પ્રતિબંધિત કેમિકલ્સ, મશીનરી અને અન્ય સાધનસામગ્રી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.

આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે કુલ ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ કુમાર મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ફેક્ટરીમાં કામ કરતા અન્ય ત્રણ શ્રમિકોને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીઓ માત્ર ઉત્પાદન પૂરતા સીમિત નહોતા, પરંતુ મોટા પાયે નશાકારક પદાર્થો બનાવીને તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવા માટે મજબૂત નેટવર્ક ચલાવતા હતા.

હાલ ભીવાડી ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે આ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા, ફાઈનાન્સિંગ, સપ્લાય ચેઇન અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાત ATSની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે રાજ્ય અને દેશભરમાં નશાના કારોબાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Latest Stories