/connect-gujarat/media/media_files/2025/11/19/andhra-2025-11-19-13-05-09.jpg)
આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી એક મહત્વપૂર્ણ અથડામણમાં બુધવારે સવારે 7 નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા.
મારેડુમિલ્લી અને જી.એમ. વાલસા વિસ્તારોના જંગલોમાં મંગળવારથી ચાલતા સંયુક્ત ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના ઈન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી કે માર્યા ગયેલા નક્સલીઓમાં 4 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.
સરકાર માટે આ ઓપરેશનનું સૌથી મોટું સિદ્ધિ એ છે કે અથડામણમાં સંગઠનનો ટોચનો ટેક્નિકલ કેડર મેત્તુરુ જોગારાવ ઉર્ફે ટેક શંકર પણ ઠાર થયો છે. ટેક શંકર IED ડિઝાઇનિંગ અને મોટા લૅન્ડમાઇન હુમલાઓનો માસ્ટરમાઈન્ડ ગણાતો હતો અને આંધ્ર–ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટીમાં તેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી. હથિયાર ઉત્પાદનથી લઈને વિસ્ફોટક ઉપકરણો તથા સંચાર નેટવર્ક ઉભું કરવાની જવાબદારી પણ તેની જ હતી, જેના કારણે તેને ‘ટેક્નિકલ કરોડરજ્જુ’ તરીકે ઓળખવામાં આવતો.
છેલ્લા કેટલાક મહિનાઓથી આંધ્ર–ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી હલચલ વધી રહી હતી. નક્સલીઓ નવી શિબિરો ઉભી કરી રહ્યાં હતા અને છત્તીસગઢમાંથી નવા જૂથો અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઇનપુટના આધારે ગ્રેહાઉન્ડ્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ મંગળવારે વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેના પરિણામસ્વરૂપ બુધવારે અથડામણ થઈ અને નક્સલીઓને મોટો ફટકો પડ્યો.
આ કાર્યવાહી તે સમયે થઈ છે જ્યારે રાજ્યમાં તાજેતરમાં નક્સલીઓ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યો છે. માત્ર નવેમ્બરમાં જ મારેડુમિલ્લી વિસ્તારમાં થયેલી કામગીરીમાં કુખ્યાત નક્સલી નેતા હિડમા સહિત 6 નક્સલીઓ ઠાર થયા હતા. ત્યારબાદ મળેલી ગુપ્ત માહિતીના આધારે આ વિસ્તાર નક્સલીઓને શોધવા માટે સુરક્ષા દળોની મુખ્ય કામગીરીનો કેન્દ્ર બન્યો છે.
એડીજી લડ્ડાએ જણાવ્યું કે તાજેતરમાં NTR, કૃષ્ણા, કાકીનાડા, કોનસીમા અને એલુરુ જિલ્લાઓમાંથી 50 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોમાં કેન્દ્રીય, રાજ્ય અને એરિયા કમિટી ઉપરાંત પ્લાટૂન સ્તરના મહત્વપૂર્ણ સભ્યોનો સમાવેશ થાય છે. આ ધરપકડોને સંગઠનના કોર નેટવર્ક પર ભારે પ્રહાર માનવામાં આવે છે.
ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 45 હથિયારો, 272 કારતૂસ, બે મેગેઝીન, 750 ગ્રામ વાયર અને ઘણાં ટેક્નિકલ ઉપકરણો સહિત મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ આયોજન સાથે અને કોઈ નુકસાન વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
છત્તીસગઢમાં દબાણ વધ્યા બાદ ઘણા નક્સલીઓ આંધ્ર પ્રદેશમાં આશરો લેવા પ્રયત્ન કરી રહ્યાં હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા છે. આવા સમયમાં થયેલી આ અથડામણ માઓવાદી સંગઠનના ટેક્નિકલ માળખા અને નેતૃત્વ પર એક મોટો ફટકો ગણાય છે.