/connect-gujarat/media/media_files/2025/05/24/QLkdfH8Z4t0DZrkuI07S.jpg)
છત્તીસગઢના પડોશી રાજ્ય ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે.
અહીં થયેલા એન્કાઉન્ટરમાં કુલ પાંચ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં એક કરોડ રૂપિયાથી વધુ ઇનામ ધરાવતા સેન્ટ્રલ કમિટી મેમ્બર (CCM) ગણેશ ઉઇકેનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીઓ પણ માર્યા ગયા હોવાનું સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું છે. એન્કાઉન્ટર સ્થળ પરથી માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહો સાથે હથિયારો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં કેટલાક છત્તીસગઢના રહેવાસી પણ હોઈ શકે છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં હજી પણ સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
સુરક્ષા દળો લાંબા સમયથી કંધમાલ અને આસપાસના જંગલ વિસ્તારોમાં નક્સલવાદી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. ગુપ્તચર માહિતીના આધારે ચલાવવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરતાં પાંચ નક્સલવાદીઓને ઠાર કર્યા. ગણેશ ઉઇકે નક્સલ સંગઠનમાં ઊંચા પદ પર હતો અને તેના પર અનેક ગંભીર હુમલાઓ અને હિંસક ઘટનાઓમાં સામેલ હોવાનો આરોપ હતો, જેના કારણે તેની ધરપકડ માટે મોટી રકમનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પહેલા છત્તીસગઢમાં પણ નક્સલવાદીઓ સામે મોટા એન્કાઉન્ટરો થયા હતા. 3 અને 4 ડિસેમ્બરના રોજ દંતેવાડા-બીજાપુર સરહદ વિસ્તારમાં સુરક્ષા દળોએ કુલ 18 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં ડિવિઝનલ કમિટી મેમ્બર (DVCM) વેલ્લા મોડિયમ પણ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને ત્યાંથી LMG, ઇન્સાસ અને SLR જેવા આધુનિક હથિયારો મળ્યા હતા, જે નક્સલવાદીઓની સશસ્ત્ર ક્ષમતાને દર્શાવે છે.
દંતેવાડા-બીજાપુર વિસ્તારમાં થયેલા આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાન શહીદ થયા હતા અને બે અન્ય જવાન ઘાયલ થયા હતા. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ માહિતી આપતા જણાવ્યું કે શહીદ થયેલા જવાનોમાં હેડ કોન્સ્ટેબલ મોનુ વડારી, હેડ કોન્સ્ટેબલ રમેશ સોડી અને કોન્સ્ટેબલ દુકારુ ગોંડેનો સમાવેશ થાય છે. બીજાપુર પોલીસ લાઇનમાં શહીદ જવાનોને રાજકીય સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે ઓડિશા અને છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે ચાલી રહેલા સતત ઓપરેશનોને કારણે તેમના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી નક્સલવાદના સંપૂર્ણ માટે સુરક્ષા દળોને પૂરતો સહયોગ અને સંસાધનો આપવામાં આવી રહ્યા છે, જેથી આવનારા સમયમાં આવા હિંસક તત્વોને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય.